રાજ્યમંત્રી યોગેશ પટેલના બિન્દાસ બોલ, ભ્રષ્ટાચારી અધિકારીઓને નોકરીમાંથી પાણીચું આપો

310

વડોદરા : વડોદરા પાલિકાએ આવાસ મકાનોના કરેલા ડ્રોની યાદી બદલી કૌભાંડ આચરવાનો મામલો વધુ વિવાદિત બની રહ્યો છે.રાજ્યમંત્રી યોગેશ પટેલે મેયર કેયુર રોકડીયાને એક કાર્યક્રમમાં મંચ પરથી જ આરોપી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ટકોર કરતાં હડકંપ મચી જવા પામ્યો છે.સાથે જ મંત્રીએ અધિકારીઓને ભ્રષ્ટાચારી અને ચોર પણ કહેતા વિવાદ ઊભો કર્યો છે.

રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થતાં ઉજવણીના ભાગરૂપે વડોદરા પાલિકાના 7 ઓગસ્ટના સયાજીરાવ નગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રી યોગેશ પટેલે આવાસના 382 મકાનોનો ડ્રો કર્યો હતો.જેની યાદી એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એમ.આઈ.એસ એક્સપર્ટ નીશીત પીઠવાએ એક કલાકમાં જ બદલી નાંખી અને ઓનલાઇન મૂકી દીધી.જેમાં 42 મકાનોના લાભાર્થીઓના નામ બદલી નાંખવામાં આવ્યા.આ મામલે સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે બંને અધિકારીઓની પૂછપરછ બાદ અટકાયત પણ કરી છે.

વડોદરામાં આજે વોલ્વો બસના નવા રૂટ શરૂ કરવાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી યોગેશ પટેલે મંચ પરથી જ મેયર કેયુર રોકડીયાને કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી અમલવારી કરવાની ટકોર કરી હતી.સાથે જ અધિકારીઓને ચોર અને ભ્રષ્ટાચારી પણ કહ્યા.તેમજ સમગ્ર મામલે મુખ્યમંત્રી સાથે તેમની વાત થઈ હોવાનું પણ કહ્યું.તેમણે કહ્યું કે, અધિકારી કે નેતા જે પણ ચોરી કરતા હોય તેમને ના છોડવા જોઈએ.વડોદરા પાલિકા ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી ના કરે,પણ અધિકારીઓને નોકરીમાંથી પાણીચું આપી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ.

મેયર કેયુર રોકડીયાએ સમગ્ર મામલે કહ્યું કે, કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાને આજે સસ્પેન્ડ કરાશે, તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં સસ્પેન્ડની દરખાસ્ત મંજૂર કરાશે, તેમજ અધિકારી પ્રમોદ વસાવા સામે ખાતાકીય તપાસ પણ કરાશે.

મહત્વની વાત છે, આ કૌભાંડ મામલે પોલીસ કમિશનરે નવાપુરા પોલીસ પાસેથી તપાસ આંચકી ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.આરોપી કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા પર કોઈ રાજકીય નેતાનું દબાણ હોવાની વાત સામે આવી છે,ત્યારે શું પોલીસ તપાસમા રાજકીય નેતાનું નામ સામે આવશે કે સમગ્ર મામલો અભરાઈએ ચઢાવી દેશે તે આગામી સમયમાં ખબર પડશે.

Share Now