મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ થયાના અહેવાલો મળી રહ્યા છે.તેની સામે લુક આઉટ સર્કયુલર જાહેર થયા બાદ તે છેલ્લા ચાર મહિનાથી રજા પર છે.ઉપરાંત તેનો મોબાઈલ નંબર પણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે.સૂત્રો અનુસાર પરમબીર સિંહ ખરાબ સ્વાસ્થ્યની આડમાં તપાસ અને પૂછપરછ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેથી હવે થાણે પોલીસ તેના સ્વાસ્થ્યને લગતા તમામ તબીબી દસ્તાવેજોની ચકાસણી કરે તેવી શક્યતા છે.
તપાસકર્તાઓને શંકા છે કે સિંહે મહારાષ્ટ્રમાં તપાસ ટાળવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા છે.તેથી એજન્સી ટૂંક સમયમાં સિંહને પ્રમાણપત્રો આપનાર ચંદીગઢના ડોકટરો અને સંસ્થાઓની આ મામલે તપાસ કરી શકે છે.ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું છે કે, સિંહ તેમના ચંદીગઢ નિવાસ સ્થાન પર હાજર નથી.
શું પરમબીર સિંહ ફરાર છે?
SIT ટીમને શંકા છે કે પરમબીર સિંહ ફરાર છે. આ મામલે એજન્સી કેટલાક રાજકારણીઓની પણ તપાસ કરી શકે છે,જેમને સિંહને ચંડીગઢથી જવામાં મદદ કરી હોવાની શંકા છે.હાલ પરમબીર સિંહ પૂછપરછને ટાળી રહ્યા હોવાની શંકા છે.ત્યારે શું પરમબીર સિંહ ખરેખર સ્વાસ્થ્યની આડમાં ફરાર થઈ ગયો છે, જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
છોટા શકીલનું પરમબીર સિંહ સાથે કનેક્શન
પરમબીર સામે ખંડણી કેસની તપાસમાં ઘણી મહત્વની માહિતી સામે આવી છે.જેમાં આરોપ છે કે પરમબીર અને તેના સાથીઓ પૈસાની માંગણી કરતા હતા અને જો તે ન મળે તો તેઓ વેપારીઓને ખોટા કેસમાં ફસાવતા હતા.હવે આ રેકેટમાં ગેંગસ્ટર છોટા શકીલનું નામ પણ બહાર આવી રહ્યું છે.હાલ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર છોટા શકીલના નાના ભાઈ અનવર સામે પણ કેસ નોંધ્યો છે.અનવર અને અન્ય બે વ્યક્તિ સામે ખંડણી સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, એક ઓડિયો સામે આવ્યા બાદ પોલીસે અનવર સામે કેસ દાખલ કર્યો છે.
ઓડિયોમાં છોટા શકીલનો અવાજ હશે તો પરમબીરનું D કનેક્શન ખુલશે
તપાસમાં જાણવા મળ્યું છે કે, પરમબીર સિંહ અને તેના સાથીએ બિલ્ડર શ્યામ સુંદર પાસે પૈસાની માંગણી કરી હતી અને તે ન મળવા પર તેની સામે બનાવટી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જો ઓડિયોમાં છોટા શકીલનો અવાજ હશે તો પરમબીરનું D કનેક્શન બહાર આવશે.
આપને જણાવી દઈએ કે, શ્યામ સુંદર અગ્રવાલની ફરિયાદ અંતર્ગત મુંબઈ પોલીસે સંજય પુનમિયા અને પરમબીર સિંહ સહિત 6 પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કર્યો હતો.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શ્યામ સુંદર અગ્રવાલ સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે અને તેના ગુનેગારો સાથે જોડાણની બાબતો સામે આવી છે.