અફઘાનિસ્તાનમાં તાલિબાને હાહાકાર મચાવ્યો છે અને તાલિબાન મામલે દુનિયાના અનેક દેશોમાં મતભેદ સામે આવી રહ્યા છે.કેટલાક દેશો તાલિબાનના સમર્થનમાં છે, તો કેટલાક દેશો તાલિબાનની વિરુદ્ધમાં.આવું જ લોકોમાં પણ જોવા મળ્યું છે. ભારતમાં પણ કેટલાક લોકો તાલિબાનનું સમર્થન કરી રહ્યા છે અને સોશિયલ મિડિયા પર તાલિબાનના સમર્થનમાં બોલી રહ્યા છે.સપા સાંસદ શફીકુર્રહમાન બાદ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ પણ તાલિબાનનું સમર્થન કર્યું છે.
મૌલાના સજ્જાદ નોમાનીએ તાલિબાનની હિંમતને સલામ કરતા કહ્યું કે, તેમણે સૌથી મજબૂત સેનાને હરાવી છે.તેમના આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે.મૌલાના સજ્જાદ નોમાનીએ કહ્યું કે, ‘એકવાર ફરી આ તારીખ ફળી છે. એક નિશસ્ત્ર સમુદાયે સૌથી મજબૂત સેનાઓને હરાવી છે. કાબુલના મહેલમાં તેઓ દાખલ થયા. તેમના દાખલ થવાના અંદાજને આખી દુનિયાએ જોયો. તેમનામાં કોઈ અભિમાન કે ઘમંડ નહોતું.મોટી-મોટી વાતો નહોતી.એ યુવાનો કાબુલની જમીનને ચૂમી રહ્યા હતા.મુબારક હો.તમને દૂર બેઠેલો આ હિંદી મુસલમાન સલામ કરે છે.તમારી હિંમતને સલામ કરે છે. તમારા સાહસને સલામ કરે છે.’
આ પહેલા સપા સાંસદ શફીકુર્રહમાને અફઘાનિસ્તાનમાં તાલિબાન પર કબજાની તુલના ભારતમાં બ્રિટિશ રાજ સાથે કરતા નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ‘હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને તેમને હટાવવા માટે આપણે સંઘર્ષ કર્યો, ઠીક એ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો.’ તેમણે તાલિબાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘આ સંગઠને રશિયા, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં પગ જમાવવા ના દીધા.’
પોલીસે સપા સાંસદની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કર્યો છે.અમેરિકાએ પોતાની સેના પાછી બોલાવી લીધા બાદથી જ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં હિંસા શરૂ થઈ અને અનેક નાગરિકો માર્યા ગયા. મહિલાઓએ ફરી એકવાર અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે.અફઘાનિસ્તાનના નાગરિકો અન્ય દેશોમાં ભાગી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે.