અફઘાનિસ્તાનમાં તાલિબાનોને જંગ લડવા માટે લખલૂટ નાણાં ક્યાંથી મળ્યા?

233

– 2016માં તાલિબાનો વર્ષે 400 મિલિયન ડોલરનો કારોબાર ધરાવતાં હતા

– બે દાયકાના સમયગાળામાં તાલિબાનો વધારે શિસ્તબદ્ધ અને માલદાર બન્યા છે

કંદહાર : ૧૯૯૦ના દાયકામાં તાલિબાનો ઘોઘા જેવા દેહાતી જણાતા હતા પણ હવે ૨૦૨૧માં તેમના રહનસહન અને કામ કરવાની રીતમાં મોટા ફેરફારો જણાઇ રહ્યા છે.તેમના દ્વારા આચરવામાં આવતી હિંસા અને ક્રૂરતામાં કશો ફરક પડયો નથી પણ તેમની પાસે અપાર ધન આવી ગયું છે તે એક હકીકત છે.

૨૦૧૬માં ફોર્બસ સામયિકે દુનિયાના ટોચના દસ આતંકવાદી સંગઠનોની યાદી બનાવી હતી તેમાં આઇએસઆઇએસ બે અબજ ડોલરની સંપત્તિ સાથ યાદીમાં ટોચ પર હતું.એ જ યાદીમાં તાલિબાનો ૪૦૦ મિલિયન ડોલરની સંપત્તિ સાથે પાંચમા સ્થાને હતા.તાલિબાનોની આવકના સ્રોત માદક પદાર્થોની દાણચોરી, પ્રોટેકશન મની અને દાન જણાવવામાં આવ્યા હતા.નાટોના એક ગુપ્ત અહેવાલ અનુસાર ૨૦૧૯-૨૦માં તાલિબાનોનું વાર્ષિક બજેટ ૧.૬ બિલિયન ડોલરનું હતું. જે ફોર્બસના આંકડાઓની સરખામણીમાં ૪૦૦ ટકાનો વધારો દર્શાવે છે. તાલિબાનોને ગયા વર્ષે ખાણકામમાંથી ૪૦૦ મિલિયન,માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી ૪૧૬ મિલિયન ડોલર,વિદેશી દાન દ્વારા ૨૪૦ મિલિયન ડોલર અને પ્રોટેકશન મની દ્વારા ૧૬૦ મિલિયન તથા ૮૦ મિલિયન ડોલર રિઅલ એસ્ટેટ દ્વારા મળ્યા હતા.

આ જ નાણાંકીય વર્ષમાં અફઘાન સરકારનું બજેટ ૫.૫ બિલિયન ડોલરનું હતું.તેમાંથી બે ટકા કરતાં પણ ઓછી રકમ સુરક્ષા માટે ફાળવવામાં આવી હતી.તાલિબાનોને અફઘાનિસ્તાનમાંથી દૂર રાખવા માટે અમેરિકા મોટાપાયે અફઘાન સરકારને ભંડોળ પુરૂ પાડતું હતું.અમેરિકાએ ૧૯ વર્ષમાં અફઘાન સૈનિકોને તાલીમ આપવા પાછળ એક ટ્રિલિયન ડોલર વાપર્યા હતા.પણ આત્મનિર્ભર બની ગયેલા તાલિબાનો સામે અફઘાન સૈનિકો ઝીંક ઝીલી શક્યા નથી.હવે સત્તા હાથમાં આવવાને પગલે તાલિબાનોની આર્થિક તાકાતમાં ઓર વધારો થશે.

Share Now