લાહોરમાં યુટયૂબર યુવતીના કપડા ફાડયા, હવામાં ઉછાળી : 400 સામે ફરિયાદ

290

– પાક.માં આઝાદી દિને શરમજનક ઘટના
– યુવતી તેની બહેનપણીઓ સાથે સ્વતંત્રતા દિનનો વીડિયો ઉતારવા ગઇ હતી ત્યારે ઘટના બની : વીડિયો વાઇરલ

લાહોર : પાકિસ્તાનના લાહોરમાં સ્વતંત્રતા દિન નિમિત્તે એક મહિલા યુટયૂબર સાથે છેડતીની ઘટના સામે આવી હતી.જેને પગલે લાહોર પોલીસ દ્વારા 400 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સોશિયલ મીડિયા પર આ મહિલા સાથે છેડતી અને પરેશાનીનો વીડિયો વાઇરલ થયો હતો જે બાદ લાહોર પોલીસ જાગી હતી અને આ કાર્યવાહી કરી હતી.

પાકિસ્તાનના લાહોરમાં 14મી ઓગસ્ટના રોજ આઝાદી ચોક પર અનેક યૂટયૂબર એકઠા થયા હતા.જે દરમિયાન આ મહિલા યુટયૂબરની છેડતીની ઘટના બની હતી.ત્યાં હાજર કેટલાક અન્ય યુટયૂબરે તેનો વીડિયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.સાથે જ વડાપ્રધાન ઇમરાન ખાન અને પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર સમક્ષ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.જે વીડિયો વાઇરલ થયો છે તેમાં અનેક યુવકો આ મહિલાને હવામાં ઉછાળતા જોવા મળી રહ્યા છે. સાથે જ યુવતીના કપડા પણ ફાડયા હતા અને છેડતી કરી હતી. તેનુ સલવાર પણ કાઢી નાખ્યું હતું.ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ યુવતી પાસે પહોંચી હતી અને પછી એફઆઇઆર દાખલ કરી હતી.

યુવતીએ પોલીસને કહ્યું હતું કે મારી છ મિત્રોની સાથે હું આઝાદ ચોક સ્વતંત્રતા દિનનો વીડિયો ઉતારવા માટે ગયા હતા.જે દરમિયાન અન્ય યુટયૂબ મેમ્બર મારી છેડતી કરવા લાગ્યા હતા.જેમાં બાદમાં અન્ય યુવકો અને પુરૂષો જોડાયા હતા.આ દરમિયાન મારો મોબાઇલ, સોનાની રિંગ અને 150,000 રૂપિયા મારી પાસેથી લઇ લેવામાં આવ્યા હતા.

Share Now