સુપ્રીમ કોર્ટે પોલીસ તરફથી થઈ રહેલી નિયમિત ધરપકડથી ચિંતા વ્યક્ત કરી છે.સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને સંવૈધાનિક જનાદેશનું એક મહત્વપૂર્ણ પાસું માનતા કહ્યું છે કે જ્યારે આરોપી તપાસમાં સહયોગ કરી રહ્યો હોય અને એ માનવાનું કોઈ કારણ ના હોય કે તે ફરાર થઈ જશે અથવા તેને પ્રભાવિત કરશે તો ધરપકડને રૂટીન રીત ના બનાવવી જોઇએ. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ ઋષિકેશ રૉયની બેંચે કહ્યું કે, ધરપકડથી કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા અને આત્મસન્માનને ક્યારેય ના ભરી શકાય તેવું નુકસાન થાય છે.’
તેમણે કહ્યું કે, ‘પોલીસે આનો સહારો ફક્ત એ માટે ના લેવો જોઇએ કેમકે કાયદા હેઠળ આની પરવાનગી છે.’ બેંચે અફસોસ વ્યક્ત કર્યો કે 1994માં સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાપક દિશા-નિર્દેશો છતાં નિયમિત ધરપકડ કરવામાં આવી રહી છે અને નીચલી અદાલતો પણ આ પ્રકારની રીતો પર ભાર આપી રહી છે. બેંચે કહ્યું કે, તપાસ દરમિયાન કોઈ આરોપીની ધરપકડ કરવાની તક ત્યારે બને છે જ્યારે કસ્ટડીમાં તપાસ જરૂરી થઈ જાય છે અથવા આ જઘન્ય અપરાધ હોય છે.આ ઉપરાંત જ્યાં સાક્ષીઓ અથવા આરોપીઓને પ્રભાવિત કરવાની સંભાવના હોય એ પરિસ્થિતિમાં ધરપકડ કરવી જોઇએ.
ખંડપીઠે કહ્યું કે, ધરપકડ કરવાની શક્તિના અસ્તિત્વ અને આના પ્રયોગની જરૂરીયાતની વચ્ચે અંતર કરવું જોઇએ. કૉર્ટે કહ્યું કે, જો તપાસ અધિકારી પાસે એ માનવાનું કોઈ કારણ નથી કે આરોપી ફરાર થઈ જશે અથવા સમન્સની અવગણના કરશે, હકીકતમાં આરોપી જો તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યો છે એ સમજની બહાર છે કે તેની ધરપકડ કરવા માટે અધિકારીઓને કેમ મજબૂર થવું જોઇએ? બેંચે CRPCની કલમની કલમ 170ની વ્યાખ્યા કરી. કૉર્ટે અલગ-અલગ કૉર્ટના અલગ-અલગ આદેશોનો પણ વિસ્તૃત રીતે ઉલ્લેખ કર્યો.
એ આદેશોમાં કહેવામાં આવ્યું હતું કે, ક્રિમિનલ કૉર્ટ ચાર્જશીટને ફક્ત એ આધાર પર સ્વીકાર કરવાથી ઇનકાર ના કરી શકે કે આરોપીની ધરપકડ કરવામાં નથી આવી અથવા તેને અદાલત સમક્ષ હાજર નથી કરવામાં આવ્યો.બેંચે કહ્યું કે, CRPCની કલમ 170માં ઉલ્લેખ કરવામાં આવેલા ‘અટકાયત’ શબ્દનો અર્થ પોલીસ અથવા ન્યાયિક કસ્ટડી તરીકે થઈ શકતો નથી.આ ફક્ત ચાર્જશીટ દાખલ કરતા સમયે તપાસ અધિકારી તરફથી અદાલતની સમક્ષ આરોપીની હાજરીને દર્શાવે છે.કૉર્ટે આ આદેશ એક વ્યક્તિની એ અપીલ પર આપ્યો છે જેમાં તેણે પોતાની વિરુદ્ધ અરેસ્ટ મેમો જારી થયા બાદ આગોતરા જામીનની માંગ કરી હતી.