પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

200

100 કરોડના વસૂલાત કેસમાં બિલ્ડર વિમલ અગ્રવાલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે.અગ્રવાલે સમિતિને પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને આ આક્ષેપો પરમબીર સિંહે વેરની ભાવના સાથે કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.

બિલ્ડર વિમલ અગ્રવાલે પહેલેથી જ પરમબીર સિંહ અને સચિન વાઝે વિરુદ્ધ વસૂલીનો કેસ દાખલ કર્યો છે,ત્યારે હાલમાં અગ્રવાલે તપાસ સમિતી સમક્ષ 26 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેખમુખ સામે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે આ પંચની રચના કરી હતી.પોતાના સોગંદનામામાં બિલ્ડરે જણાવ્યું છે કે, સચિન વાજે પરમબીર સિંહના કહેવાથી તેમની પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.

અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા – બિલ્ડર વિમલ અગ્રવાલ

સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા છે.કારણ કે સચિન વાઝે માત્ર પરમબિર સિંહની સુચનાથી જ ખંડણી ઉઘરાવતો હતો.વધુમાં વિમલ અગ્રવાલે સમિતીને જણાવ્યું છે કે, પરમબીર સિંહે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લગાવેલા તમામ આરોપોને ફગાવી દેવા અને પરમબીર સિંહ સહિત સચિન વાઝે સામે પગલાં લેવાની અપીલ કરી છે.આપને જણાવી દઈએ કે, તપાસ પંચ સમક્ષ 30 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

એક મહિનામાં ચોથી FIR દાખલ

ગયા અઠવાડિયે બિલ્ડરની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસે પરમબીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.તમને જણાવવું રહ્યુ કે, પરમબીર સિંહ સામે આ ચોથો અને મુંબઈમાં બીજો કેસ નોંધવામાં આવ્યો છે.ઉપરાંત થાણેમાં અન્ય બે કેસ નોંધાયા છે.આ તમામ FIR એક મહિનાની અંદર નોંધવામાં આવી છે.આ કેસમાં સચિન સહિત અન્ય ચાર સુમિત સિંહ,વિનય સિંહ,અલ્પેશ પટેલ,રિયાઝ ભાટી વિરુધ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અગ્રવાલની ફરિયાદ મુજબ, આરોપીએ તેને બાર અને રેસ્ટોરન્ટમાં દરોડા ન પાડવાના બદલામાં 9 લાખ રૂપિયા અને 2.92 લાખ રૂપિયાના બે સ્માર્ટફોન ખરીદવાનું કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જાન્યુઆરી 2020 અને માર્ચ 2021 દરમિયાન બની હતી.

Share Now