સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, સત્તા બદલાય ત્યારે રાજદ્રોહના કેસ કરવાનો ટ્રેન્ડ વિચલિત કરનારો છે.કોર્ટે રાજદ્રોહના બે ફોજદારી કેસને પગલે સસ્પેન્ડ કરાયેલા છત્તીસગઢ પોલિસ એકેડેમીના ડિરેક્ટરની ધરપકડ સામે રક્ષણ આપતી વખતે આ ટિપ્પણી કરી હતી.અધિકારી પર રાજ્ય સરકારે આવકના પ્રમાણમાં વધુ સંપત્તિનો પણ આરોપ મૂક્યો હતો.ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, “દેશમાં ઘણી બાબતો નિરાશાજનક છે.” ૧૯૯૪ બેચના આઇપીએસ ઓફિસર ગુરજિંદર પાલ સિંઘના સંકુલ પર એન્ટિ-કરપ્શન બ્યૂરો અને ઇકોનોમિક ઓફેન્સિસ વિંગે દરોડા પાડ્યા હતા અને અપ્રમાણસર સંપત્તિનો આરોપ મુકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપના અગાઉના શાસનમાં ગુરજિંદર પાલ સિંઘે રાયપુર, દુર્ગ અને બિલાસપુરના આઇજી તરીકે ફરજ બજાવી હતી. ત્યાર પછી સરકાર સામે ષડયંત્ર ઘડવા અને શત્રુતા ઊભી કરવામાં કથિત સંડોવણીના આરોપસર તેમની સામે રાજદ્રોહનો કેસ કરાયો હતો.
વરિષ્ઠ એડવોકેટ એફ એસ નરીમાને સિંઘ વતી પ્રારંભિક દલીલ રજૂ કર્યા પછી સુપ્રીમ કોર્ટની બેન્ચે દેશમાં વધી રહેલા રાજદ્રોહના કેસ અંગે નાખુશી વ્યક્ત કરી હતી. નરીમાને જણાવ્યું હતું કે, “અધિકારીએ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ તરીકે ફરજ બજાવી છે અને તે પોલિસ એકેડેમીના ડિરેક્ટર હતા. હવે તેમની સામે આઇપીસીની કલમ ૧૨૪એ (રાજદ્રોહ) હેઠળ કાર્યવાહી ચાલુ કરાઈ છે.” સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત પણ સામેલ હતા. બેન્ચે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારને એક પણ કેસમાં સિંઘની ચાર સપ્તાહ સુધી ધરપકડ નહીં કરવાનો આદેશ આપ્યો હતો.
ઉપરાંત, સિંઘને તપાસ એજન્સીને સહકાર આપવા જણાવાયું હતું.બેન્ચે જણાવ્યું હતું કે, “દેશમાં આ વિચલિત કરે તેવો ટ્રેન્ડ છે અને પોલિસ વિભાગ પણ તેના માટે જવાબદાર છે.જ્યારે કોઇ એક રાજકીય પક્ષની સરકાર હોય ત્યારે પોલિસ અધિકારીઓ એ પક્ષની તરફેણ કરે છે. ત્યાર પછી નવી સરકાર આવે ત્યારે એ આ જ પોલિસ અધિકારીઓ સામે પગલાં ભરે છે. આ બંધ થવું જરૂરી છે.”