– અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં હુમલો કરાયો, લક્ષ્યને ઠાર કર્યો હોવાનો દાવો
વોશિંગ્ટન : અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાં શનિવારે ઈસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર ડ્રોન હુમલો કર્યો હોવાનું જણાયું છે.અફઘાનિસ્તાનમાં આઈએસના સભ્યએ કાબુલ એરપોર્ટ ઉપર આત્મઘાતી હુમલો કર્યાના 48 કલાકમાંજ અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો છે. બે દિવસ અગાઉ કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલામાં અમેરિકાના 13 સૈનિકોના મોત થયા હતા તેમજ 78 જેટલા અફઘાની નાગિરકોના મોત થયા હતા.આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-કેએ સ્વીકારી હતી.
અમેરિકન સેનાએ દાવો કર્યો છે કે તેણે કાબુલમાં માનવરહિત હુમલો કરીને,કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લેનાર ઈસ્લામિક સ્ટેટ- ખોરાસનના એક મુખ્ય કાવતરાખોરને ઠાર કરી દીધો છે.મધ્ય વિંગના કેપ્ટન બિલ અર્બને જણાવ્યું કે, ડ્રોન હુમલો અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કરવામાં આવ્યો છે અને પ્રાથમિક સંકેત મુજબ લક્ષ્યને ઠાર કરવામાં સફળતા મળી છે. આ હુમલા બાદ તેમણે જણાવ્યું હતું કે, હુમલામાં કોઈ નાગરિકને જાનહાનીના અહેવાલ નથી.
આ એરસ્ટ્રાઈક અફઘાનિસ્તાન બહારથી શરૂ થઈ હતી.ગુરુવારે કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલા બાદ ત્યાંથી કડક સુરક્ષા વચ્ચે લોકોને બહાર મોકલવાની કામગીરી ચાલુ છે.કાબુલ વિસ્ફોટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.બ્લાસ્ટ પછી બંદૂકધારી શખ્સોએ ફાયરિંગ કર્યું હતું જેને પગલે નરસંહારનો આંક વધ્યો હતો.અમેરિકાએ ડ્રોન હુમલાને અફઘાનિસ્તાન બહાર અજ્ઞાત સ્થળેથી કર્યો છે.આ હુમલામાં કાબુલ એરપોર્ટ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ ઠાર થયો હોવાનો દાવો યુએસ દ્વારા કરવામાં આવ્યો છે.આ હુમલાથી એવા સંકેત મળે છે કે અમેરિકા કાબુલમાંથી લોકોને બહાર ખસેડ્યા બાદ પણ આઈએસના ઠેકાણાઓ ઉપર હુમલાઓ કરી તેને નષ્ટ કરી શકે છે. કાબુલ એરપોર્ટના ગેટ નજીક આતંકી હુમલાની સંભાવનાને પગલે અમેરિકાએ તેમના નાગરિકોને ત્યાંથી ખસી જવા ચેતવણી આપી છે.