પલસાણા : સુરત જિલ્લાના પલસાણા ખાતે પ્રમુખ પાર્ક નજીક આવેલ એક ખંડેર બિલ્ડીંગમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા છે.આ વ્યક્તિઓ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી ત્યાંથી સગેવગે કરી રહયા હતા તે સમયે પોલીસે રેડ કરી કુલ 14.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા ખાતે પ્રમુખ પાર્ક બિલ્ડીંગ નજીક આવેલ એક ખંડેર બિલ્ડીંગમાં કેટલાક વ્યક્તિઓએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો તેઓ સગેવગે કરી રહ્યા હતા જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને મળતા તેમણે ઘટના સ્થળે રેડ કરી હતી તે દરમ્યાન એક આઇસર ટેમ્પો નંબર જીજે-15-એટી-6645 તેમજ ત્યાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા અને પોલીસે ટેમ્પા ભરેલ ટ્રૉલી બેગ તથા પેપર રોલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 1008 બોટલ કિંમત રૂ. 98,400ના જથ્થા સાથે પારૂલબેન વિનોદભાઇ વાઘેલા (રહે, બીલીમોરા, ગાયકવાડમિલની ચાલમાં, તા-ગણદેવી, જી-નવસારી), જતિન જયંતિભાઈ પરમાર (રહે, પલસાણા, પાદર ફળિયું) તથા સુરજ વિરેન્દ્ર પરમાર (રહે, નુન્હેરા, તા-સેપઉ, જી-ઢોલપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા અને વિદેશી દારૂ તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ 14.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અશોક વસંત વાઘેલા (રહે, પલસાણા, પાદર ફળિયું), સમશેરસિંહ વિજયસિંહ રાજપૂત (રહે, પલસાણા, મેઘાપ્લાઝા) તથા માલ આપનાર કાળું (રહે, ઉદવાડા) ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.