મુંબઈ, તા. 31 ઓગસ્ટ : 30 ઓગસ્ટે 200 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા એક કેસમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે ઈડીએ લાંબી પૂછપરછ કરી.આ દરમિયાન જેકલીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે.જણાવવામાં આવી રહ્યુ છે કે જેકલીન પોતે આ છેતરપિંડીના રેકેટનો શિકાર બની ગઈ છે.તેમની એક સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવી છે.
સોમવારે થયેલી પૂછપરછમાં જેકલીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. તેમની પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી.ઈડીની તપાસમાં જાણવા મળ્યુ છે કે મની લોન્ડ્રિંગના સાગરીત સુકેશે પોતાના પાર્ટનર લીના પૉલ દ્વારા જેકલીનને નિશાન બનાવી હતી.
જેકલીનની સાક્ષી તરીકે કરાઈ પૂછપરછ
જેકલીન આ કેસમાં આરોપી નથી પરંતુ તેમની સાક્ષી તરીકે પૂછપરછ થઈ છે.ઈડીની તપાસમાં જાણવા મળ્યુ છે કે સુકેશે બોલીવુડના એક ફેમસ એક્ટરને પણ નિશાન બનાવ્યા હતા.જોકે આ એક્ટરનું નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. 24 ઓગસ્ટે તપાસ એજન્સીએ ચેન્નઈના એક બંગલા પર દરોડા પાડ્યા હતા જ્યાંથી તેમણે 82 લાખ રૂપિયા રોકડા જ્યારે 12થી વધારે લગ્ઝરી કાર જપ્ત કરી હતી.
કેસની તપાસમાં લાગી પોલીસ
આ કેસમાં ઈડીએ કહ્યુ કે દિલ્હીના રોહિણી જેલમાં બંધ સુકેશ 17 વર્ષની ઉંમરથી છેતરપિંડીના કૃત્યમાં સામેલ રહ્યો છે અને તેના વિરૂદ્ધ કેટલીક FIR નોંધાઈ છે.તેમણે કહ્યુ કે જેલમાં રહેવા છતાં સુકેશે લોકોને છેતરવાનું બંધ કર્યુ નથી.દિલ્હી પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ ગુનાકીય ષડયંત્ર,છેતરપિંડી અને લગભગ 200 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.