કાબુલ : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદથી પરિસ્થિતિ વધુ વણસી છે. અફઘાનિસ્તાનમાં હાજર દરેક નાગરિકને પોતાના મૃત્યુનો ડર સતાવી રહ્યો છે.આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, તાલિબાની લડવૈયાઓએ પંજશીર પર કબજો કર્યો છે.
તમને જણાવી દઈએ કે, પંજશીર પ્રાંત પર કબજાના દાવા બાદ જ્યારે તાલિબાની લડવૈયાઓ હવાઈ ફાયરિંગ કરીને મજા માણી રહ્યા હતા,ત્યારે હવામાં કરવામાં આવેલી ફાયરિંગમાં ઘણા લોકોના મૃત્યુ નીપજ્યા છે.એક અહેવાલ પ્રમાણે, જ્યારે તાલિબાન લડવૈયાઓને પંજશીર પર કબજો કર્યાના સમાચાર મળ્યા,ત્યારે તેઓએ ખુશીમાં હવામાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી.તાલિબાનની આ ઉજવણી દરમિયાન બાળકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
તાલિબાનનો દાવો છે કે, તેણે પંજશીર પ્રાંતને પોતાના કબજામાં લઈ લીધું છે.જોકે રેઝિસ્ટેન્સ ફોર્સીઝ (વિદ્રોહી જૂથો) આ દાવાને નકારી રહ્યા છે.સાથે જ તેમણે તાલિબાનને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો પણ કર્યો છે.
અહેવાલ અનુસાર, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હોસ્પિટલમાં એટલી ભીડ જામી છે કે, ઓપરેશન રૂમમાં પણ જગ્યા ખાલી નથી.પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ કે ઓપરેશન રૂમમાં જગ્યા ન હોવાના કારણે ઇમરજન્સી રૂમમાં ઓપરેશન એક વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું.