વડોદરા :વડોદરામાં બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો સળગ્યો છે.વડોદરામાં બરોડા ડેરીના સત્તાધિશો પર સભાસદોનું શોષણ કરવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યા છે.ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે.બરોડા ડેરી સભાસદોને નફો આપતી નથી તેમજ દાણની કાચા માલની ખરીદી તેમની મળતિયા એજન્સી કરે છે તેવા પ્રકારની રજૂઆત કેતન ઈનામદારે તેમના પત્રમાં કરી છે.ધારાસભ્યએ બરોડા ડેરી પર કાચા માલમાં ભેળસેળ કરવાના પણ આરોપ લગાવ્યા છે.તો બરોડા ડેરીમાં શોષણ થવાના ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવેલા આક્ષેપનો ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જવાબ આપ્યો છે.
કેતન ઈનામદારના આક્ષેપો પર દિનેશ પટેલે જવાબ આપતા કહ્યું કે, કેતન ઈનામદારના તમામ આક્ષેપ ખોટા છે.કેતન ઈનામદાર દૂધ મંડળીના પ્રમુખ નથી કે ન તો કેતન ઈનામદાર ઘરની દૂધ મંડળી નથી ચલાવતા.ગુજરાત સરકારના ઓડિટ વિભાગના ઓડિટરના હિસાબ બાદ ડેરીનું સરવૈયું થાય છે.કેતન ઈનામદાર જો દૂદ ઉત્પાદકોનું હિત વિચારતા હોત તો સરકાર પાસે જઈને તપાસ કરાવી હોત.અમે ED,CBI જેવી એજન્સીઓ પાસે તપાસ માટે તૈયાર છીએ.પરંતુ કેતન ઈનામદાર ખોટા આક્ષેપ કરે છે.સાવલીના બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ ચૂંટણી લડવાની તૈયારી કરે છે.એટલે કેતન ઇનામદારને પેટમાં દુઃખ્યું છે.જેથી તેઓ પાયવિહોણા આક્ષેપ કરે છે.