અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાન અને રેજિસ્ટેન્સ ફોર્સ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે.આ દરમિયાન બંનેએ પંજશીર જીત્યું હોવાનો દાવો કર્યો છે.તાલિબાન કહે છે કે હવે પંજશીર પર પણ તેનું નિયંત્રણ છે.જણાવવામાં આવી રહ્યું છે કે પંજશીર પર જીતની ખુશીમાં તાલિબાનોએ કાબુલમાં હવામાં ફાયરિંગ કર્યું છે, જેમાં 3 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ, તાલિબાનનો સામનો કરી રહેલા રેઝિસ્ટેન્સ ફોર્સે તાલિબાનના દાવાને નકાર્યો છે.અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું છે કે અમારી સેના તાલિબાન સામે મજબૂતીથી લડી રહી છે.તેમણે કહ્યું હતું કે તેઓ આતંકવાદીઓના નિશાન પર છે અને તેમણે આ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે.તેમણે પોતે તાજિકિસ્તાન ભાગી જવાનો પણ ઇનકાર કર્યો હતો.તેઓ હજુ પણ પંજશીરમાં છે અને તાલિબાન સામે લડી રહ્યા છે.
તાલિબાનના કાશ્મીર રાગ મુદ્દે ભારતે આપ્યો કરારો જવાબ
અફઘાનિસ્તાનમાં સરકારની જાહેરાત પહેલાં ભારતે કાશ્મીરનો રાગ આલાપનાર તાલિબાનને જડબાંતોડ જવાબ આપ્યો છે.કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ભારત બંધારણનું પાલન કરે છે.અહીં મસ્જિદોમાં દુઆ કરતા લોકો પર ગોળીઓ અને બોમ્બથી હુમલો કરવામાં આવતો નથી.ન તો છોકરીઓને શાળાએ જતા રોકવામાં આવે છે અને ન તો તેમનાં માથા કે પગ કાપવામાં આવે છે.
નકવીએ આ વાત તાલિબાનના નિવેદનના જવાબમાં કહી છે.એમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાનને કાશ્મીર સહિત વિશ્વભરના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે.નકવીએ તાલિબાનને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારતના મુસ્લિમોને છોડી દો,તેમની ચિંતા કરવાની જરૂર નથી.
વિદેશ સચિવે કહ્યું- પાકિસ્તાન જે તાલિબાનનું પાલન કરી રહ્યું છે તેના પર નજર રાખવી પડશે
અફઘાનિસ્તાનના મુદ્દે ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ વોશિંગ્ટનમાં મીડિયાને કહ્યું હતું કે અમેરિકા અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પાડોશી પાકિસ્તાને તાલિબાનને ટેકો આપ્યો છે અને તેને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે.આવી ઘણી વાતો છે,જેમાં પાકિસ્તાને તાલિબાનને મદદ કરી છે.આ બાબતોને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાનની ભૂમિકા પર નજર રાખવી પડશે.
તાલિબાન આજે સરકારની જાહેરાત કરશે
સમાચાર એજન્સી રોઇટર્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું નેતૃત્વ મુલ્લા બરાદાર કરશે.જ્યારે તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા મોહમ્મદ યાકૂબ અને શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈને તાલિબાન સરકારમાં મહત્ત્વના હોદ્દા પણ આપવામાં આવશે.તે બધા કાબુલમાં છે.ભાસ્કરનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનની વાસ્તવિક સત્તા શૂરા સમિતિના હાથમાં જ રહેશે
તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીર જીતી લીધું છે
તાલિબાને શુક્રવારે પંજશીર જીતી લીધાનો દાવો કર્યો હતો.સમાચાર એજન્સી રોઇટર્સે તાલિબાન કમાન્ડરના હવાલાથી કહ્યું હતું કે હવે સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા નિયંત્રિત થઈ ગયું છે.અહેમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લા સાલેહના નેતૃત્વમાં પ્રતિકારક દળ પંજશીરમાં તાલિબાન સામે લડી રહ્યું હતું.
તાલિબાન કમાન્ડરનો દાવો છે કે રેઝિસ્ટન્સ ફોર્સનાં દળોએ હવે પીછેહઠ કરી છે અને તેમણએ પંજશીર સહિત સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.પંજશીર પર જીતની ખુશીમાં તાલિબાન કાબુલમાં હવાઈ ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકોનાં મોત થયા છે.ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે.
કાબુલમાં તાલિબાનોએ હવામાં ફાયરિંગ કર્યું
પંજશીરમાં જીતના અહેવાલો બાદ તાલિબાનોએ કાબુલમાં હવામાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.આ પછી તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે તેના લોકોને હવામાં ફાયરિંગ ન કરવા અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું કે આ ફાયરિંગ સામાન્ય લોકોને જોખમમાં મૂકી શકે છે.
તાલિબાન મિલિટરી વાહનને મસૂદની સેનાએ રોકેટથી ઉડાવ્યું
પંજશીરમાં તાલિબાનોને મોટું નુકસાન થઈ રહ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.હામિદ મસૂદની રેજિસ્ટન્સ ફોર્સે તાલિબાનના લડવૈયાઓને પંજશીરમાં ઘૂસવાનું મુશ્કેલ બનાવી દીધું છે.આ પહાડી પ્રાંતમાં મસૂદના લડવૈયાઓએ દરેક જગ્યાએ એમ્બુશ લગાવી રાખ્યા છે. પંજશીર સમર્થકોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમના યૌદ્ધાઓ તાલિબાનના સૈન્ય વાહનને રોકેટથી ઉડાવતા જોવા મળ્યાં છે.રોકેટ છોડ્યા બાદ સૈન્ય વાહન ભંગારમાં ફેરવાઈ ગયું હતું.એટલું જ નહીં, રોકેટથી હુમલો કર્યા બાદ પંજશીરના યૌદ્ધાઓ ફાયરિંગ કરતા પણ જોવા મળ્યા.આ વીડિયો કંઈ જગ્યાનો છે એની કોઈ જ પુષ્ટિ થઈ નથી.