વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની તા.15 સપ્ટેમ્બરના રોજ મળનારી વાર્ષિક ઓન લાઇન સાધારણ સભા પૂર્વે સાવલીના ભાજપના ધારાસભ્યએ પશુપાલકોનું શોષણ અને કાચામાલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ મુકતો પત્ર સહકાર મંત્રીને લખતા ખળભળાટ મચી ગયો છે.
બરોડા ડેરી દ્વારા સભાસદોને નફો આપવામાં આવતો નથી
તાજેતરમાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલકો હોવાના આક્ષેપો કર્યા હતા.તે બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના સહકાર ઇશ્વરભાઇ પટેલને બરોડા ડેરીમાં ચાલતા વહીવટ સામે આક્ષેપો કરતો પત્ર લખતા જિલ્લા સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.સાવલીના ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભાજપા શાષીત બરોડા ડેરીમાં સભાસદોનું (પશુપાલકો) શોષણ કરવામાં આવી રહ્યું છે.બરોડા ડેરીના શાસકો સભાસદોને નફો આપતા ન હોવાથી ડેરી નફો કરી રહી છે.નફાના સીધા હકદાર સભાસદો છે.પરંતુ, બરોડા ડેરી દ્વારા સભાસદોને નફો આપવામાં આવતો નથી.પરિણામે દૂધ ઉત્પાદક મંડળીઓ બંધ થઇ રહી છે. અને પશુપાલકોને નુકશાન જઇ રહ્યું છે.
સભાસદોને કિલો ફેટે રૂપિયા 675 ચૂકવવામાં આવે છે
ધારાસભ્યએ સહકાર મંત્રીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સાતમ-આઠમ,રક્ષાબંધન જેવા તહેવારોમાં મંડળીઓને એડવાન્સ આપવામાં આવ્યું નથી.જેનાથી સભાસદોને નુકશાન ગયું છે.હાલમાં બરોડા ડેરી દ્વારા સભાસદોને કિલો ફેટે રૂપિયા 675 ચૂકવવામાં આવે છે.પરંતુ, મંડળીઓ દ્વારા કિલો ફેટે રૂપિયા 650 ચૂકવવામાં આવે છે. રૂપિયા 15 પ્રમાણે મંડળીમાં નાણાં જમા થાય છે.તેજ નાણાં ભાવફેરની રકમમાં આપે છે.પરંતુ, વ્યાજની રકમનો લાભ સભાસદોને આપવામાં આવતો નથી. સત્તાધિશોના મનસ્વી નિર્ણયને લઇ એસ.એન.એફ. ની પ્રથા ચાલુ કરી ગ્રેડ પાડેલ છે.જેમાં સભાસદોનું હિત જળવાતું નથી.
સભાસદોને લગતા પ્રશ્નો અંગે સહકાર મંત્રીને રજૂઆત કરી
પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મકાઇ ભરડાનો જુનો ભાવ રૂપિયા 455 હતો.તાજેતરમાં વધારી રૂપિયા 580 કરવામાં આવ્યો છે.જેનાથી સભાસદોને આર્થિક નુકશાન થઇ રહ્યું છે.બરોડા ડેરી દ્વારા મકાઇ સહિત વિવિધ કાચો માલ ખરીદે છે.તે કાચો માલ પોતાની માણસોની એજન્સી દ્વારા ખરીદવામાં આવી રહ્યો છે.જે કાચો માલ ભેળસેળવાળો આવતો હોઇ, તપાસ કરવી જરૂરી છે.આ ઉપરાંત તેઓએ અનેક વિધ સભાસદોને લગતા પ્રશ્નો અંગે સહકાર મંત્રીને રજૂઆત કરી છે.સાથે તેઓએ બરોડા ડેરીમાં ચાલી રહેલા ગેરવહીવટ અંગે તપાસની માંગણી કરી છે.
ધારાસભ્યના આક્ષેપો પાયાવિહોણાઃ બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુકેલા આક્ષેપોના અનુસંધાનમાં બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સાવલીના ધારાસભ્ય દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે.અમે બરોડા ડેરીમાં ખોટું કર્યું નથી અને કરવાના નથી. અમે પશુપાલકોના હિતમાં જ કામ કરી રહ્યા છે.જો બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય તો તેઓ તપાસ કરાવી શકે છે.અમે તપાસનો સામનો કરવા તૈયાર છે.