– રાદડીયા સહિત નેતાઓ ગઠબંધનથી સમાધાન નહીં કરાવી શકે
– ઉપલેટા યાર્ડ માટે નામ મોકલાયા
– હવે ધોરાજી,ગોંડલ,જેતપુર અને રાજકોટ યાર્ડમાં ભાજપના સમર્થકો-કાર્યકરોના નામ પ્રદેશને મોકલાશે
રાજકોટ, : ખરીદ વેચાણ સંઘો,માર્કેટ યાર્ડો,દૂધ ઉત્પાદક સંઘો સહિત સહકારી ક્ષેત્રોમાં વર્ષોથી પ્રમુખ તમારો,ઉપપ્રમુખ અમારો,આ તમારૂ અને આ અમારૂં એવા સૌ પક્ષોનો સાથ લઈ સૌનો વિકાસ કરવાનું ગઠબંધન ચાલતું રહ્યું છે ત્યારે ભાજપે હવે સહકારી ક્ષેત્રને પણ રાજકારણના રંગથી પૂરેપૂરૂં રંગવાનો નિર્ણય લીધો છે.તા.૨ સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપની મીટીંગમાં સહકારી ચૂંટણી હવે પક્ષના બેનર તળે જ લડાશે તેવા નિર્ણયનો અમલ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ઉપલેટા માર્કેટયાર્ડની ચૂંટણીથી શરૂ થયો છે.
જિલ્લા ભાજપના સૂત્રો અનુસાર પક્ષના આ નિર્ણય અન્વયે ચૂંટણીના ઉમેદવારોની યાદી પ્રદેશ ભાજપ સમિતિને મોકલાઈ છે અને ત્યાંથી નક્કી થશે તે નામની જ જિલ્લા સ્તરે જાહેરાત કરાશે અને તે જ ચૂંટણીમાં ઝુકાવી શકશે.ઉપલેટાથી આનો આરંભ થયો છે અને હવે રાજકોટ,ગોંડલ,જેતપુર,ધોરાજી વગેરે માર્કેટયાર્ડની ચૂંટણીમાં પણ આ જ અભિગમ રહેશે.
આમ, રાજકોટ યાર્ડની ચૂંટણી બીનહરીફ કરાવવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને કામ સોંપાયું હતું તે હવે નિરર્થક બની જશે.પક્ષના સૂત્રો અનુસાર રાદડીયા સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓનો મત ચોક્કસ લેવાશે પરંતુ,કોણે ચૂંટણી લડવી તે પાર્ટીના મોવડીઓ જ નક્કી કરશે.અંદરોઅંદર સ્થાનિક કક્ષાએ સમજુતિથી ગઠબંધન કરીને નામો નક્કી નહીં થઈ શકે.