– માત્ર એક રસ્તો અને ઓફિસ પર કબ્જો મેળવીને તાલિબાનીઓ જીત ગણાવે છે
– પંજશીરના ગેરિલા વૉર લડવામાં માહિર લડવૈયાઓ મોતની ઘાટી બનાવી છે
કાબુલ, 6 સપ્ટેમ્બર : અફઘાનિસ્તાનમાં અજેય ગણાતી પંજશીરઘાટી પર કબ્જો કરવાનો તાલિબાની પ્રવકતા ઝબીહુલ્લાહ મુજાહિદએ દાવો કર્યો છે,પંજશીરના મુખ્યાલય બજારક પર તાલિબાની ઝંડાનો ફોટો તેની સાબીતી સ્વરુપે રજૂ કરવામાં આવે છે પરંતુ પંજશીર પર ખરેખર તાલિબાનનો કબ્જો છે એ ચર્ચાનો વિષય છે.અમેરિકા અને નાટો સૈનિકો ૨૦ વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી વિદાય લઇ રહયા હતા ત્યારે અફઘાનિસ્તાનનું આતંકી સંગઠન તાલિબાન અનેક પ્રાંતો જીતવા અભિયાન શરુ કર્યુ હતું.
અમેરિકાએ તૈયાર કરેલા અફઘાન સૈન્યએ ઘૂંટણીયા ટેકવતા તાલિબાન માટે કાબૂલ સુધી વિજય મેળવવો પ્રમાણમાં સરળ બની ગયો હતો પરંતુ કાબુલથી ૧૫૦ કિમી દૂર આવેલી પંજશીરઘાટી અપરાજીત રહી હતી.તાજીક મૂળના લોકોનું વર્ચસ્વ ધરાવતા પંજશીરઘાટી પર ૨૦ વર્ષ પહેલા તાલિબાનોઓનું શાસન હતું ત્યારે પણ જીતી શકયા ન હતા. સ્વ અહેમદ મસૂદનો ગઢ ગણાતી પંજશીલઘાટીએ સોવિયતસંઘના સૈન્યને પણ ભગાડયું હતું.છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાએ પણ પંજશીરને સ્વતંત્ર રહેવા દીધી હતી.
આમ વર્ષોથી અજેય ગણાતી પંજશીલઘાટીને જીતવી તાલિબાનો માટે ઇજ્જતનો સવાલ બની ગઇ છે.તાલિબાનીઓને તેના સહયોગી સંગઠનો સાથે મતભેદ ચાલતા હોવાથી સરકાર રચી શકયા નથી પરંતુ પંજશીરના અજેય ગઢને જીતવા માટે કમર કસી છે તેઓ કોઇ પણ ભોગે જીતવા માટે મરણીયા થયા છે.નિષ્ણાતોનું માનવું છે કે તાલિબાનીઓએ પંજશીરના મુખ્યમાર્ગ પર આવેલા મથક પર ઝંડો ફરકાવીને વિજય મેળવ્યો હોવાની જાહેરાત કરી છે પરંતુ લડાઇ હજુ બાકી છે જે ખરેખર તો હવે લડાવાની છે જેમાં તાલિબાનીઓની અગ્નિ પરીક્ષા છે.
તાલિબાનો હજુ તો પંજશીરના દરવાજા સુધી જ પહોંચ્યા છે.પંજશીરને જીતવી સહેલી નથી આથી જ તો તેને મોતની ઘાટી કહેવામાં આવે છે.પંજશીરમાં માત્ર એક જ રસ્તો છે જે શરુઆતથી અંતિમ છેડા સુધી જાય છે જેને ઘાટીનો મુખ્યમાર્ગ કહેવામાં આવે છે.તાલિબાનીઓએ કબ્જો જમાવ્યો તે કવાટર તો રસ્તામાં સાવ સરળ લોકેશન પર આવેલું છે.આગળના અંતરિયાળ માર્ગમાં જેમ તેઓ આગળ વધશે તેમ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મુખ્ય રસ્તાને વાંકા ચૂંકા અસંખ્ય નાના રસ્તાઓ મળે છે જેનાથી માત્ર સ્થાનિક લોકો અને લડાકુઓ જ જાણકાર છે.ગેરિલા વોર લડવામાં પંજશીરના લડવૈયાઓ માહિર છે. માત્ર એક રસ્તો અને ઓફિસ પર કબ્જો મેળવીને તાલિબાનીઓ પોરસાતા હોયતો તે તેમની મુર્ખામી છે.રશિયાએ પણ આ રીતે ૯ વર્ષ સુધી વ્યૂહ રચ્યો હતો. ૯ વર્ષમાં સેંકડો વાર પંજશીરઘાટીઓ પર નિયંત્રણ મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ ખાલીહાથે જ પાછા ફરવું પડયું હતું.પંજશીરના કમાંડર અહેમદ મસૂદે તાલિબાનીઓને પાછા જવાનો પ્રસ્તાવ મુકલો પરંતુ તાલિબાનીઓએ યુધ્ધ પસંદ કરીને પોતાને મુશ્કેલીમાં મુકી દીધું છે.પંજશીરમાં તાલિબાનોને ફાઇટ આપી રહેલા નેશનલ રેસિસ્ટન્ટસ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાનના કમાંડર મસૂદે પંજશીર પર તાલિબાનના કબ્જાની વાતને ફગાવી દીધી છે.