– પોલીસ સ્ટેશન અને ડાયમંડ ફેક્ટરીની સીસીટીવીમાં વોચમેન સ્વસ્થ નજરે પડયો, કઇ રીતે હેમરેજ થયું તે માટે ડોક્ટરનો અભિપ્રાય મેળવાશે
સુરત : ત્રણ દિવસ અગાઉ પ્રોહીબીશનના ગુનામાં ડાયમંડ ફેક્ટરીના વોચમેનને વરાછા પોલીસના ડી-સ્ટાફ દ્વારા બેરહમી પૂર્વક માર મારવાના પ્રકરણમાં એસીપીને તપાસ સોંપવામાં આવી છે.જો કે પોલીસ સ્ટેશના અને ડાયમંડ ફેક્ટરીના સીસીટીવી ફૂટેજમાં આક્ષેપથી વિપરીત હકીકતો બહાર આવી હોવાથી ડોક્ટરનો અભિપ્રાય મેળવવામાં આવનાર છે.
વરાછા રોડની ડાયમંડ ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરતા શીવસિંગ કુવરસિંની વરાછા પોલીસે પ્રોહીબીશનના ગુનામાં ધરપકડ કર્યા બાદ બેરહમી પૂર્વક માર મારતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાનો આક્ષેપ ભત્રીજાએ કરતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણની તપાસ એસીપી સી.કે. પટેલને સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બરના રોજ પોલીસે શીવસિંગની પ્રોહીબીશનના ગુનામાં ધરપકડ કરી હતી અને 2 સપ્ટેમ્બરે કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ 3 સપ્ટેમ્બરે શીવસિંગ પોલીસ સ્ટેશનમાં પોતાનો મોબાઇલ છોડાવવા ગયો હતો.જેથી એસીપી પટેલે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા.જેમાં પોલીસ સ્ટેશનમાં મોબાઇલ લેવા આવનાર શીવસિંગ 10 મિનીટ સુધી રોકાયો હતો અને ત્યાર બાદ તે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ડાયમંડ ફેક્ટરી ખાતે ગયો હતો.ફેક્ટરીના સીસીટીવી ફુટેજ ચેક કરતા ત્યાં વોચમેન જોડે પણ વાત કરે છે અને તેની ખુરશી ઉપર પણ બેસતા નજરે પડે છે.પરંતુ ત્યાર બાદ શીવસિંગને કઇ રીતે બ્રેઇન હેમરેજ થયું તે તપાસનો મુદ્દો પોલીસ મુંઝવી રહ્યો છે.જેથી એસીપી પટેલ આવતી કાલે ડોક્ટરનો અભિપ્રાય મેળવી વધુ તપાસ કરશે.