એન્ટીલિયા વિસ્ફોટક પ્રકરણમાં કોલગર્લની એન્ટ્રી, વાઝે મહિને રૂ. 50 હજાર આપતો હતો

203

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇના ઘર એન્ટીલિયા સામે વિસ્ફોટકો મૂકવાના કેસમાં હવે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે.જ્યારે સચિન વાઝેની ધરપકડ થઇ ત્યારપછી આ પ્રકરણમાં એક મહિલા હોવાની વાત સતત ઉછળતી હવે. હવે તેનો ખુલાસો થયો છે કે આ મહિલા એક કોલગર્લ છે જેને એસ્કોર્ટ પણ કહેવામાં આવે છે.આ મહિલા સચિન વાઝેને 2011થી ઓળખતી હતી અને તેને કેટલાક સમયથી વાઝે મહિને રૂ. 50 હજાર આપતો હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.

મુંબઇના વિવાદસ્પદ પોલીસ અધિકારી સચિન વાઝેની આ કેસમાં ધરપકડ થયા પછી બીજા અધિકારી પ્રદીપ શર્મા પણ ભેરવાયા. તત્કાલીન મુંબઇ પોલીસ કમિશનર પરમવીસિહ પર પણ છાંટા ઉડ્યા છે. આ તમામ બાબતો વચ્ચે શરૂઆતથી આ પ્રકરણમાં એક મહિલાની સંડોવણી હોવાની વાત બહાર આવી હતી પરંતુ તે કોણ છે અને તેની શું ભૂમિકા હતી તેની કોઇને ખબર પડી ન હતી. પરંતુ હવે જ્યારે ચાર્જશીટ ફાઇલ થઇ છે ત્યારે આ બાબતો બહાર આવી રહી છે.

આ પ્રકરણની તપાસ એનઆઇએ કરી રહી છે.તપાસ દરમિયાન બહાર આવ્યું કે એક મહિલા સચિન વાઝેના સંપર્કમાં હતી અને તેની સાથે કામ કરતી હતી.આ મહિલા મુંબઇમાં એસ્કોર્ટ એટલે કે કોલગર્લ તરીકે કામ કરતી હતી.તેણે જણાવ્યું કે તે સચિન વાઝેને વર્ષ 2011માં એક ફાઇવસ્ટાર હોટેલમાં મળી હતી. ત્યારપછી તે સતત તેના સંપર્કમાં હતી.

સચિન વાઝેએ આ મહિલાને મયંક ઓટોમેશન નામની કંપનીમાં ડિરેક્ટર પણ બનાવી હતી જે કંપનીમાં રૂ. 1.25 કરોડની મૂડી હતી.પરંતુ આ રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે મહિલા કંઇ બતાવી શકી ન હતી.વાઝેએ તેને એસ્કોર્ટનું કામ છોડી દેવાનું કહ્યું હતું.ઓગસ્ટ 2020 પછી દર મહિને તેને રૂ. 50000 આપતો હતો. વાઝેએ તેને આ રૂપિયાથી બીજી બે કંપનીઓ ઉભી કરવાની સલાહ પણ આપી હતી.મહિલાએ જણાવ્યું કે વાઝેએ તેને બે વાર રૂપિયા ગણવા પણ આપ્યા હતા.

આ પ્રકરણમાં એનઆઇએએ એક નોટ ગણવાની મશીન જપ્ત કરી હતી.ત્યારપછી સીસીટીવી ફૂટેજથી બહાર આવ્યું હતું કે મુંબઇની એક ફાઇવસ્ટાર હોટેલમાં આ મશીન લઇ જવાઇ હતી.ત્યારે આ મહિલને સચિન વાઝેએ 18 અને 19 ફેબ્રુઆરીના દિવસે કેશ રૂ. 36 લાખ અને રૂ. 40 લાખ ગણવા માટે આપ્યા હોવાની વાત પણ તેણે કરી છે.આ રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે મહિલાએ અજાણ હોવાનું કહ્યું છે.

હવે અહીં સવાલ એ થાય છે કે આટલા બધા રૂપિયા સચિન વાઝે પાસેથી આવતા ક્યાંથી હતા અને આ કોલગર્લનો ઉપયોગ સચિન વાઝે શું કરવા માટે કરતો હતો.

Share Now