પ્રહલાદ મોદીના આક્ષેપો : સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે !!

254

‘ઢીંગલી’ નામથી ઓળખાતા સોફ્ટવેર દ્વારા રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ થયું હોવાની આશંકાએ હાલ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી આજે રાજકોટ આવ્યા હતા અને રાશન વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને રજૂઆત કરી હતી.એ દરમિયાન પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં મીડિયાને જણાવ્યું હતું કે – સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે, જેણે દુકાનદારોને ચોરી કરવા મજબૂર કર્યા છે.સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારોની માગણી પૂરી ન કરી શકે ?

ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયત્નો કરી રહી છે.દુકાનદારોએ કોઇ ગેરરીતિ આચરી નથી.બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારિત છે અને ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે,જેથી ફરજિયાત ઓફલાઇન વેચાણ કરવું પડે છે.દુકાનદારો ઓફલાઇન વેચાણ કરે એટલે સરકાર તપાસ કરે છે.સસ્તા અનાજના દુકાનદારોને કર્મચારી તરીકે ગણીને તેને પગારદાર બનાવવા જોઇએ.

ખોટી રીતે કનડગત નહિ કરવા આવેદનપત્ર પાઠવ્યું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમને ગોડાઉનમાંથી નિયમિત માલ મળતો નથી.માટે અમે આજે કલેકટરને વિવિધ રજૂઆત કરી હતી,જેમાં દુકાનદારોને પોષણક્ષમ ભાવો મળે,કમિશનમાં વધારો,સર્વર વારંવાર ખોટકાઈ જવું તથા સોફટવેરકૌભાંડમાં તપાસ પૂરી થઇ છે,તો હવે દુકાનદારોને ખોટી રીતે કનડગત નહિ કરવા અંગેનું આવેદનપત્ર પાઠવ્યું છે.

35 જેટલા સસ્તા અનાજના દુકાનદારો ઝપટે ચડી ગયા છે

હાલ રાજકોટ જિલ્લાના 35 જેટલા સસ્તા અનાજના દુકાનદારો ઝપટે ચડી ગયા છે,પુરવઠાએ પાંચના લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે,તો બાકીનામાં તપાસ ચલાવી અને એમાં કાંઇ ઉકાળ્યું નથી,માત્ર લેપટોપ – હિસાબી સાહિત્ય જપ્ત કર્યું છે,પ્રાથમિક તપાસમાં ક્લીનચિટ અપાઇ છે.કૌભાંડની તીવ્રતા જ્યાં વધુ છે એવા બનાસકાંઠા – સાબરકાંઠામાં આવી રજૂઆતને બદલે પ્રથમ રાજકોટ જિલ્લામાં આ રજૂઆત શા માટે એ પ્રશ્ન લોકોમાં ઊઠી રહ્યો છે.

યુઝર આઇડી તથા દુકાનના કોડ મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડવાના બાકી આરોપીઓમાં રાજકોટ,ઉપલેટા,જસદણના 4 શખસનાં નામ દર્શાવેલાં હતાં તથા જપ્ત મોબાઇલ કે લેપટોપમાંથી યુઝર આઇડી તથા દુકાનના કોડ મળી આવ્યા એવા વેપારીઓ,ગેમ સ્કેન એપ ડેટામાંથી મળેલાં નામોમાં તથા પૂછપરછમાં બહાર આવેલાં નામોમાં પણ રાજકોટ જિલ્લાના કેટલાકની સંડોવણી ગણી છે.આ તબક્કે લીડરની મધ્યસ્થી દ્વારા રજૂઆત એ તપાસ રોકાવાનો પ્રયાસ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Share Now