– પીડિત પરિવારોએ થોડા સપ્તાહ પહેલા બાઈડન પર દબાણ બનાવ્યું હતું અને ન્યૂયોર્કમાં કેસને લઈ લાંબા સમયથી રેકોર્ડની માગણી કરી હતી
નવી દિલ્હી, તા. 12 : અમેરિકા ખાતેના 9/11ના એટેકને 20 વર્ષ પૂરા થઈ ગયા છે. આ હુમલામાં આશરે 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ હુમલાની 20મી વરસીને લઈ FBIએ શનિવારે 16 પાનાનો એક સિક્રેટ દસ્તાવેજ જાહેર કર્યો હતો.આ દસ્તાવેજ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 2 સાઉદી હાઈજેકર્સને આપવામાં આવેલા લોજિસ્ટિકલ સપોર્ટ અંગેનો છે.દસ્તાવેજોમાં અમેરિકામાં સાઉદી સહયોગિઓ સાથે હાઈજેકર્સના સંપર્કો અંગે જણાવવામાં આવ્યું છે પરંતુ એ વાતનો કોઈ પુરાવો નથી મળ્યો કે આ ષડયંત્રમાં સાઉદી સરકાર પણ સામેલ હતી.
સાઉદી અધિકારીઓ પર સવાલ
હુમલાની 20મી વરસી પર આ દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા છે જે પહેલો તપાસ રેકોર્ડ છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એ વસ્તુઓની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો જે અનેક વર્ષોથી સાર્વજનિક દૃશ્યોથી બહાર છે.પીડિત પરિવારોએ થોડા સપ્તાહ પહેલા બાઈડન પર દબાણ બનાવ્યું હતું અને ન્યૂયોર્કમાં કેસને લઈ લાંબા સમયથી રેકોર્ડની માગણી કરી હતી.આ રેકોર્ડમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, હુમલામાં સાઉદીના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા.
આતંકવાદી હુમલામાં સામેલ થવાના આરોપોનો સાઉદી સરકાર સતત ઈનકાર કરી રહી છે.વોશિંગ્ટનમાં સાઉદી દૂતાવાસે તાજેતરમાં જ કહ્યું હતું કે, તેમણે દેશ વિરૂદ્ધના જણાઈ રહેલા નિરાધાર આરોપોને સંપૂર્ણપણે ખતમ કરવા માટે તમામ રેકોર્ડ્સ પૂરી રીતે સામે લાવવાનું સમર્થન કર્યું છે.દૂતાવાસે કહ્યું હતું કે, સાઉદી અરબ પર મિલીભગતનો કોઈ પણ આરોપ ‘સ્પષ્ટરૂપે ખોટો છે.’
જાહેર કરવામાં આવેલા સંશોધિત રેકોર્ડ્સમાં એક વ્યક્તિ સાથેના 2015ના વર્ષના ઈન્ટરવ્યુનો ઉલ્લેખ છે જે અમેરિકી નાગરિકતા માટે આવેદન કરી રહ્યો હતો અને વર્ષો પહેલા તેણે સાઉદી નાગરિકોનો વારંવાર સંપર્ક કર્યો હતો.ત્યાર બાદ તપાસકર્તાઓએ કહ્યું હતું કે, અનેક હાઈજેકર્સને મહત્વપૂર્ણ લોજિસ્ટિકલ સપોર્ટ આપવામાં આવ્યો હતો.