– વધઇના બે આદિવાસી યુવકોના પોલીસ મથકમાં અપમૃત્યૂમા હત્યાના આરોપીઓની સાત દિવસમાં ધરપકડ ન થાય તો ત્રણ દિવસ ચીખલી પોલીસ મથકને ઘેરાવ કરવાની ચીમકી
ચીખલી : ચીખલીમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજી વધઇના બે આદિવાસી યુવકોના પોલીસ મથકમાં અપમૃત્યૂમા હત્યાના તત્કાલીન પીઆઈ સહિતના આરોપીઓની સાત દિવસમાં ધરપકડ ન થાય તો ત્રણ દિવસ ચીખલી પોલીસ મથકને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રેલીમાં ટોળાઓએ પોલીસની હાઈ હાઈ સાથે હુરિયો બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો.
ચીખલીમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઇ હતી.આ દરમિયાન એસ.ટી ડેપો સર્કલ પાસે લોકો રસ્તા પર બેસી ગયા હતા અને પોલીસનો હુરિયો બોલાવાયો હતો.ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવાસદનમાં પહોંચેલી રેલીને સંબોધતા આદિવાસી નેતા રમેશભાઈ ખાંભડાએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના વઘઇના સુનિલ પવાર અને રવિ જાદવ એમ બે આદિવાસી યુવાનોના પોલીસ મથકમાં મોત નિપજયા હતા.જેમાં પોલીસ શરૂઆતથી જ ચામડી બચાવવાની ફિરાકમાં હતી ચારે તરફથી દબાણ આવ્યા બાદ મોડે મોડે તત્કાલીન પીઆઈ સહિતના પોલીસકર્મીઓ સામે હત્યા, અપહરણ અને એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો.પરંતુ હવે આરોપીઓની ધરપકડ કરતી નથી અને પીઆઈ એસપી,આઈજીની રજૂઆત કરવામાં આવી તો જુદા જુદા જવાબ મળે છે.
આઇજી સમજે કે આદિવાસીઓને કંઈ સમજ ન પડે તમને અંગ્રેજી આવડે છે એક આરોપી આદિવાસી છે તેનો વિચાર કરજો આઇજી એ આદિવાસીને ફોસલાવાની વાત કરી હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા.વધુમાં રમેશભાઇએ જણાવ્યું હતું કે તમારાથી ધરપકડ ન થાય તો અમને સોંપી દો અમે ૨૪ કલાકમાં આરોપીઓને પકડી લાવીશું. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે બે આદિવાસી યુવકોના મોતના ગંભીર બનાવમાં સ્થાનિક આદિવાસી નેતાઓ ચૂપ છે.સાથે જ તેમણે ભાજપી સાંસદ મનસુખભાઇ વસાવાના આદિવાસી પરિવારના ન્યાય અપાવવાની વાતને સમર્થન આપવા માટે બિરદાવી અન્ય નેતાઓને પણ આગળ આવવા જણાવ્યું હતું. સાથે આનંદ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી યુવકના મોતની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા આંકી છે.જેમાં સરકારે મહેરબાની નથી કરી આદિવાસી પરિવારને પૈસા નથી જોઇતા ન્યાય જોઇએ છે.સાથે તેમણે સાત દિવસમાં આરોપીની ધરપકડ ન થાય તો સતત ત્રણ દિવસ સુધી ચીખલી પોલીસ મથકે ધરણાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ દરમિયાન મામલતદાર પ્રિયંકાબેન પટેલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા રેલી દરમિયાન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.