ગુજરાતમાં નેતૃત્વ બદલાયું શા માટે ? ભાજપે આટલો મોટો દાવ કેમ ખેલ્યો ?

208

નવીદિલ્હી, તા.17 : ભાજપે ગુજરાતમાં બનાવેલા મંત્રીમંડળમાં પાછલી સરકારના એક પણ મંત્રીને સ્થાન આપ્યું નથી. ત્યાં સુધી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પત્તું પણ કપાઈ ગયું છે.આ નિર્ણય એટલા માટે પણ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી બાદ જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારપછી વિજય રૂપાણીએ ખુરશી સંભાળી હતી તો એ સમયે પણ જૂના ચહેરાઓને જગ્યા આપવામાં આવી હતી.જો કે ‘નો-રિપિટ થિયરી’ને અડીખમ બનીને અપનાવવા પાછળનું કારણ શું હોઈ શકે તેના અંગે રાજકીય પંડિતો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ગુજરાતમાં પાટીદાર સમાજને ભાજપનું કોર વોટબેન્ક ગણવામાં આવે છે. તાજેતરના થોડા વર્ષોથી આ વોટબેન્ક તેનાથી દૂર થઈ રહી હતી અને તેનો પરચો આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો.આમ આદમી પાર્ટીએ સુરત જેવા શહેરમાં જંગી લીડ હાંસલ કરી તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ગઢ માનવામાં આવે છે.ત્યાં ‘આપ’ મહાપાલિકામાં મુખ્ય વિપક્ષ બની ગઈ છે.કેશુભાઈ પટેલના નિધન બાદ કોઈ મોટો પાટીદાર ચહેરો નેતા તરીકે રહ્યો નહોતો. આનંદીબેન પટેલ પણ ગુજરાતથી બહાર છે.સાથે જ યુવા પાટીદાર નેતાઓ પોતાની જ્ઞાતિના મુખ્યમંત્રી બનાવવાની માંગ ખુલ્લેઆમ કરી રહ્યા હતા.

આ દૃષ્ટિથી ભાજપે ભૂપેન્દ્ર પટેલ તરીકે પાટીદારના ચહેરા પર આવતાં વર્ષે વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા અને અમિત શાહના કેન્દ્રીય રાજકારણમાં ગયા બાદ રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું. 2017માં મોદી-શાહ વગર ભાજપે વિધાનસભા ચૂંટણી લડી એટલે બેઠક 100થી ઓછી થઈ ગઈ હતી. પક્ષ હવે 2022ની ચૂંટણીમાં કોઈ જ જોખમ ઉઠાવવા માંગતી નથી.સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ મુખ્યમંત્રી બદલવામાં મોટા અથવા ચર્ચિત ચહેરોઓની જગ્યાએ લો-પ્રોફાઈલ નામ ઉપર શા માટે ભરોસો કરે છે ? ચૂંટણી પહેલાં એન્ટી ઈન્કમબન્સી ફેક્ટરને ખાળવા માટે પક્ષ મુખ્યમંત્રી અને મંત્રીઓને બદલવાનો દાવ રમે જ છે.

આ દરમિયાન એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે નેતૃત્વમાં ફેરફાર કરવાથી પક્ષમાં ક્યાંક અસંતોષ ન વકરી જાય.ચર્ચિત ચહેરાઓની પોતાની લોબી હોય છે આવામાં કોઈ એકને કમાન આપવાથી બીજું જૂથ નારાજ થઈ શકે છે જેનું નુકસાન પક્ષે ઉઠાવવું પડી શકે છે.નવા મંત્રીમંડળમાં 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ, 1 દલિત અને 1 જૈન સમાજના ધારાસભ્યને જગ્યા આપવામાં આવી છે.આ રીતે દરેક ક્ષેત્રના હિસાબથી પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.ચૂંટણી પહેલાં એક પ્રકારે નવેસરથી લોકોને સાધવાની કોશિશ ભાજપ દ્વારા કરાઈ છે.

Share Now