નવી દિલ્હી : મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી અને શિવસેનાના વડપણ હેઠળની રાજ્યની ગઠબંધન સરકાર સાકી નાકા રેપ અને હત્યા કેસમાં આમને સામને આવી ગયા છે.રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોશ્યારીને જણાવ્યું હતું કે આ ઘટનાની ચર્ચા કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની ભાજપની માગણી માટે તેમનું સમર્થન લોકશાહી માટે ઘાતક છે.
અગાઉ કોશ્યારીએ મહિલાની સુરક્ષાના મુદ્દાની ચર્ચા કરવા વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની ભાજપની મહિલા ધારાસભ્યોની માગણીની વિચારણા કરવા ઠાકરેને અનુરોધ કર્યો હતો.તેના જવાબમાં ઠાકરેએ જણાવ્યું હતું કે મહિલા સામેની હિંસા રાષ્ટ્રીય મુદ્દો છે, તેથી કોશ્યારીએ આ મુદ્દે સંસદનું ચાર દિવસનું વિશેષ સેશન બોલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરવી જોઇએ.એક સપ્તાહ પહેલા ભાજપની મહિલા ધારાસભ્યોના એક પ્રતિનિધિમંડળ ગવર્નરને મળ્યું હતું તથા મુંબઈના સાકી નાકા ખાતે મહિના પર રેપ અને હત્યા કેસના સંદર્ભમાં મહિલાઓ સામેની હિંસાની ચર્ચા કરવા વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવાનો રાજ્ય સરકારને આદેશ આપવાની વિનંતી કરી હતી.
ઠાકરેએ 20 સપ્ટેમ્બરે આકરા શબ્દોમાં ચાર પેજના પત્ર મારફત જવાબ આપ્યો હતો.આ પત્રમાં તેમણે ઉત્તરપ્રદેશ,ગુજરાત,ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા ભાજપ શાસિત રાજ્યોમાં મહિલા પરના રેપ અને હત્યાના કેસોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દો સાકી નાકા પૂરતો સીમિત નથી.
ઠાકરેએ જણાવ્યું હતું કે ગવર્નર તરીકે તમે સાકી નાકા કેસના સંદર્ભમાં મહિલા સામેની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે.અમે પણ આ મુદ્દે ચિંતિત છીએ.પરંતુ આ બાબત માત્ર સાકી નાકા પૂરતી સીમિત નથી.હકીકતમાં આ રાષ્ટ્રીય મુદ્દો છે અને તેથી મહિલા સમુદાયને તમારા પ્રત્યે આશાભરી મીટ છે.આ મુદ્દાની વિગતવાર ચર્ચા કરવા તમે સંસદના વિશેષ સેશનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરો.