– દુકાન લુંટાયાની ફરિયાદ કરનારાઓએ આગ લગાડયાનું નિવેદન આપ્યું નથી : દિલ્હી કોર્ટનો નિર્ણય
ન્યુદિલ્હી : ફેબ્રુઆરી 2020 ના રમખાણો દરમિયાન દુકાનો લૂંટવાના આરોપમાં દસ આરોપીઓ સામેનો આગ લગાડવાનો આરોપ દિલ્હી કોર્ટે હટાવી લીધો છે.નામદાર કોર્ટે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020 માં થયેલા તોફાનો દરમિયાન દુકાન લુંટાયાની ફરિયાદ કરનારાઓએ ક્યાંય પણ આગ લગાડયાનું નિવેદન આપ્યું નથી.પોલીસ પોતાની ભૂલો છુપાવી રહી છે.અને બે જુદી જુદી તારીખોની ઘટનાઓને એક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.આ કેસ ત્રણ ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. બ્રિજપાલે આરોપ લગાવ્યો હતો કે બ્રિજપુરી માર્ગ પર તેમની ભાડાની દુકાન 25 ફેબ્રુઆરીએ તોફાની ટોળા દ્વારા લૂંટી લેવામાં આવી હતી. દિવાન સિંહે આરોપ લગાવ્યો હતો કે 24 ફેબ્રુઆરીએ તેમની બે દુકાનો લૂંટી લેવામાં આવી હતી.
એડિશનલ સેશન્સ જજ વિનોદ યાદવે જોયું કે ફરિયાદીઓએ તેમના પ્રારંભિક નિવેદનોમાં તોફાની ટોળા દ્વારા આગ અથવા વિસ્ફોટક પદાર્થ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.
દીવાન સિંહે તેમના પૂરક નિવેદનમાં જણાવ્યું હતું કે તોફાની ટોળાએ તેમની દુકાનને આગ લગાવી દીધી હતી.આ માટે કોર્ટે કહ્યું કે જો પોલીસને પ્રારંભિક ફરિયાદમાં આગ લગાવવાનો ગુનો ન હોય,તો તપાસ એજન્સી પૂરક નિવેદન નોંધીને ખામીનેઢાંકી શકતી નથી.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ બાદ, 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ,મૌજપુર,બાબરપુર,ઘોંડા,ચાંદબાગ,શિવ વિહાર,ભજનપુરા,યમુના વિહાર વિસ્તારોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. હિંસામાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.સરકારી અને ખાનગી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ મકાનો, દુકાનો,વાહનો,એક પેટ્રોલ પંપ અને સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.