પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને CAના આશ્રયસ્થાનો પર પોલીસના દરોડા

253

વડોદરા : વડોદરા શહેરના દિવાળીપુરામાં રહેતી એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે યુવતીએ લગાવેલા આરોપોની ઊંડી તપાસ શરૂ કરી હતી તથા પુરાવા પણ એકત્ર કરાઇ રહ્યા છે.ફરિયાદ નોંધાયા બાદ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી રાજુ ભટ્ટને ઝડપી લેવા પોલીસે 2 ટીમે ઘર સહિત આશ્રયસ્થાનો પર દરોડા પાડ્યા હતા,પણ બંને આરોપી મળ્યા ન હતા.

યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

દિવાળીપુરામાં રહેતી અને મૂળ હરિયાણાના રોહતકમાં રહેતી લોનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગોત્રી પોલીસમાં પહોંચી હતી.તેણે અશોક અસ્કણ જૈન(રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ(નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, તે 5 માસથી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટનું કામ કરે છે.આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મિટિંગો ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ અને અશોક જૈન સાથે ચાલતી હતી.એક મિટિંગમાં અશોક જૈને કેફી પદાર્થવાળું ઠંડું પીણું પીવડાવી તેની સાથે અડપલાં કર્યાં હતાં.

CAએ દુષ્કર્મ કર્યાં બાદ પાવાગઢના ટ્રસ્ટીએ દુષ્કર્મ આચર્યુ

ત્યારબાદ પણ અશોક જૈન ફરી યુવતીના ફ્લેટ પર જઇ તેના વાળ પકડી બેડરૂમમાં લઇ ગયો હતો અને માર મારી કપડાં ફાડી નાખી દુષ્કર્મ કર્યું હતું.તે પછી તેણે ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને પણ ખુશ કરવા જણાવ્યું હતું.ત્યારબાદ બીજા દિવસે રાજુ ભટ્ટ પણ તેના ઘેર ગયા હતા અને યુવતીને ધક્કો મારી ટીવી ઊંચું કરી ફેંક્યું હતું અને બેડરૂમમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી કે, રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.યુવતીના ન્યૂડ ફોટા પણ યુવતીના મિત્રને મોકલી વાયરલ કર્યા હતા.આ મામલે ગોત્રી પોલીસે સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ ગુનો નોંધી તપાસ આદરી હતી.

પોલીસે આરોપીઓના આશ્રયસ્થાનો દરોડા પાડ્યા

દરમિયાન ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયેલા સીએ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.પોલીસે જણાવ્યું હતું કે, અશોક જૈનની ઓફિસ તથા તેના ઘેર પોલીસની એક ટીમ પહોંચી હતી પણ તે મળી આવ્યા ન હતા. પોલીસની બીજી ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા વિસ્તારના ઘેર પણ પહોંચી હતી પણ પોલીસને સફળતા મળી ન હતી.બંને ઘેરથી ભાગી છૂટ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું,જેથી બંનેનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે.બીજી તરફ પોલીસે યુવતીની ફરિયાદ મુજબના પુરાવા એકત્ર કરવાનું પણ શરૂ કર્યું હતું.ચાટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદીરના ટ્રસ્ટી સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસે બંને ફરાર આરોપીઓની શોધખોળ સઘન બનાવી છે.

પીડિતાનો મિત્ર બુટલેગર હોવાનો ઘટસ્ફોટ

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ઼ હતું કે, અશોક જૈને મારા મિત્ર અલ્પેશ વાઘવાણીના મોબાઇલ પર મારા ન્યૂડ ફોટો મોકલીને વાયરલ કર્યા હતા.મિત્ર અલ્પેશે ફોટા જોઇ તેના ઘરે જઇ આ શું છે,ક્યારે થયું અને કેવી રીતે થયું તેવુ પૂછી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું.પ્રાથમિક તપાસમાં અલ્પેશ વાઘવાણી જ નામચીન બુટલેગર અલ્પુ સિંધી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે.

કેસમાં બૂટલેગરોની એન્ટ્રીથી અનેક સવાલો ઉભા થયા

એટલું જ નહીં યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ કહ્યું છે કે ફરિયાદ કરવા વારસિયા રિંગ રોડ પર રહેતા તેના ઓળખીતા કમલેશ વિનોદ ડાવર સાથે આવી છે અને આ ફરિયાદ તેણે મને હિન્દીમાં અનુવાદ કરી સમજાવી છે.આ કમલેશ ડાવર પણ કુખ્યાત બૂટલેગર પપ્પુ ડાવર છે. જેની સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.લાલુ સિંધી પર ફાયરિંગ કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.આ કેસમાં બૂટલેગરોની એન્ટ્રીથી અનેક સવાલો ઉભા થયા છે.

યુવતીનું 164 મુજબનું નિવેદન લેવાયું

પોલીસે મંગળવારે યુવતીને બોલાવી હતી અને તેનું સીઆરપીસીની કલમ 164 મુજબનું નિવેદન લેવાયું હતું.પોલીસે ફરિયાદ નોંધીને તેણે લગાવેલા આરોપોની તપાસ શરૂ કરી હતી,જેમાં જે ગેસ્ટ હાઉસ અને ઓફિસનો ઉલ્લેખ કરાયો હતો તે સ્થળે પણ પોલીસ પહોંચી હતી.જે સ્થળે દુષ્કર્મ કરાયું હતું તે સ્થળે પણ તપાસ કરાઈ હતી અને યુવતીનાં કપડાં પણ કબજે કરાયાં હતાં.

પીડિતાના સ્વેબના અલગ-અલગ નમૂના લેવાયા

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં રવિવારે રાતે પોલીસ પીડિતાને લઈને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે ગોત્રી હોસ્પિટલમાં પહોંચી હતી.જયાં તબીબો દ્વારા પીડિતાનું 2 કલાક સુધી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.તબીબોએ પીડિતાના નેઇલ,હેર,તેમજ ઓરલ સ્વેબ લીધા હતા.ગાયનેક વિભાગમાં પીડિતાને લઈ જઈ તબીબોએ અલગ અલગ સ્વેબ એકત્ર કર્યા હતા.જ્યારે પીડિતાની સોનોગ્રાફી કરી અને બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

સમગ્ર વાત રફે દફે કરવા યુવતીને લાલચ આપી હોવાના આક્ષેપ

દુષ્કર્મ કેસમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, ફોટા વાઇરલ કરવાની ધમકી આપી અશોક જૈને બીજા ઇન્વેસ્ટરોને પણ ખુશ કરવા જણાવ્યું હતું.જોકે તે પછી અશોક જૈને સહારા ઇન્ડસ્ટ્રિઝની જે ડીલ થશે તેમાં 50 ટકા કમિશન અને રિયલ એસ્ટેટની કંપની શરૂ કરીને સીઈઓની પોસ્ટ આપવાની લાલચ આપી મામલો રફે દફે કરવા કહ્યું હતું.આ સિવાય પણ યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, પોતે દિલ્હી જતી રહી તે પછી અશોક જૈને ફોન કરીને કહ્યું હતું કે મેં તારા મિત્રને ફોટા વાયરલ કર્યા તે ભૂલ થઈ ગઈ છે અને જે કંઈ પણ હોય તે લેવડદેવડ કરીને પૂરું કરી દે.જો કે યુવતીએ વડોદરા આવી ફરિયાદ નોંધાવી હતી.

યુવતીનો મોબાઇલ અને લેપટોપ એફએસએલમાં મોકલાયા

સમગ્ર કેસમાં યુવતીના ન્યૂડ ફોટા વાયરલ કરવાના આરોપોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને લેપટોપ કબજે કરી તેને વધુ તપાસ માટે એફએસએેલમાં મોકલી આપ્યા હતા.યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તેના ઘરમાં એસીના પ્લગ પાસે સ્પાય કેમેરો છુપાવાયો હતો,જેથી પોલીસે તેના ઘેર જઇને આ મુદ્દાની પણ તપાસ કરી હતી.યુવતીની દરેક હિલચાલ પર નજર રાખવા માટે સ્પાય કેમેરો તેની રૂમાં ફીટ કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.યુવતી સાથે સીએ અને પાવાગઢ મંદીરના ટ્રસ્ટીએ દુષ્કર્મ કર્યા બાદ મામલો રફેદફે કરવા નાણાની ઓફર કરી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

Share Now