“દમ” મારો અને મનમાની કરોની નીતિ, ફાકડું અંગ્રેજી જાણતા અતિ ઉત્સાહી ભાજપના નેતાની અંતે દાળ ન ગળતા…

222

બીજેપી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ રાજકારણમાં પાપા પગલી ભરતા કેટલાંક હોદ્દેદારો હવે પ્રેસર પોલિટિક્સ કરી રહ્યાં હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.જે નવું સંગઠન બન્યું તેમાં એક અતિ ઉત્સાહી અને સિનિયર પોલિટીશિયન જેમ વર્તતા એક હોદ્દેદારે રાજીનામું તો આપ્યું નથી પરંતુ આપી દઈશ એવી વાતો કરી દબાણ ઊભું કરવાના પ્રયાસ કરતા હોવાની વાતો વહેતી થઈ છે.સાથે દબાણ લાવી પોતાની મનમાની કરવા પ્રયાસ કર્યો હતો.પણ તેની દાળ ગળી નહીં.

એક હોદ્દેદારે મોઢા પર કહી દીધું કે, ‘હાં તમે રાજીનામું આપી શકો’

પાર્ટીના સુત્રોની વાત માનીએ તો પોતાને સુપર ટેક્નોક્રેટ માનતા આ હોદ્દેદારએ 2 નેતાઓ સામે પોતે પાટીલને રાજીનામું આપી દેશે એવું વાત કરી પોતાની રીતે કામ કરવા દેવા દબાણ ઊભું કર્યું હતું.જેમાંથી એક નેતાએ રાજીનામું નહીં આપવા સમજાવ્યો હતો તો અન્ય એક હોદ્દેદારે મોઢા પર કહી દીધું હતું કે, ‘હાં તમે રાજીનામું આપી શકો છો.’ જેથી એ ઉત્સાહી હોદ્દેદારને મનમાં ફળકો પડ્યો હતો અને રાજીનામું આપવાની વાતને માંડી વાળી.મહત્વનું છે કે, તેઓની માનસિકતા પણ છતી થઈ ગઈ છે કે તેઓએ માત્ર દબાણ લાવવા જ રાજીનામું આપવાનો ‘દમ’ માર્યો હતો.

આમ તો આ ઉત્સાહી નેતાની ઉંમર ખૂબ નાની છે પરંતુ અવાર નવાર વિવાદમાં રહેવું જાણે કે તેઓને પસંદ હોય એ રીતે તેઓ વર્તી રહ્યાં છે અને સતત વિવાદમાં રહ્યાં કરે છે.ઉપરાંત પાર્ટીની આબરૂની ધૂળ ઘાણી કરી રહ્યાં છે.થોડાં સમય અગાઉની જો વાત કરીએ તો એક ટ્વિટ કરી એ નેતા વિવાદમાં આવ્યાં હતાં.આમ, તો ફાકડું અંગ્રેજી જાણતા આ નેતાએ કોંગ્રેસના એક રાષ્ટ્રીય નેતાની અંગ્રેજી ભાષાની પોસ્ટ પર ટ્વિટ કર્યું હતું પરંતુ એ ટ્વિટ બુમરેંગ સાબિત થયું હતું.એ અગાઉ કોર્પોરેશન ઇલેક્શનમાં પણ પાર્ટી અધ્યક્ષ સામે પોતાની કામગીરીની ખોટી વાહવાહી ઉભી કરી એક કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ તેમાં પણ તેઓની શરમજનક સ્થિતિ ઉભી થઇ હતી. જ્યાર બાદ એ કામગીરીની હકીકત પાર્ટી અધ્યક્ષને થતા જ પાર્ટી અધ્યક્ષ પણ મનોમન મૂંઝાયા હતાં.

આ નેતાએ શરૂ કર્યું હતું રાજીનામાં પોલિટિક્સ

આમ, સતત આ રીતનું વર્તન કરીને ખોટી કામગીરી દર્શાવી રહેવાની આદત ધરાવતા આ નેતાને પોતાની મનમાની મુજબ કામ કરવા માટે રાજીનામાં પોલિટિક્સ શરૂ કર્યું હતું પરંતુ પોતાની દાળ નહીં ગળતા હવે આખી વાત માંડી વાળી હોવાની ચર્ચા પાર્ટીમાં થઈ રહી છે.

Share Now