રાજ્યભરમાં ચકચાર જગાવનારા ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે.પરંતુ, પોલીસથી એક કદમ આગળ રહેલા બંને આરોપી પોલીસને ચકમો આપવામાં સફળ થયા છે.બીજી તરફ પાવાગઢના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટના નિઝામપુરા સ્થિત ઘરમાં સર્ચ કરાયું હતું,જ્યાં બેડરૂમમાંથી ફ્રેન્ચ બ્રાન્ડીની બોટલ મળી હતી.જેથી પોલીસે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો હતો.
પોલીસથી બચવા રાજુ ભટ્ટ ગાંધીધામ તરફ ભાગ્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ તરફ ભાગ્યો હતો,જેથી પોલીસની એક ટીમ ગાંધીધામ પહોંચી છે અને રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષીતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઇ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી મહત્વની જાણકારી મેળવી હતી.આ ઉપરાંત પોલીસે સમન જારી કરીને રાજુ ભટ્ટના વેવાઇના પરિવારને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.
સોમવારે મોડી સાંજથી પોલીસની ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા,મિલનપાર્ક સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને તેની 3 કાર કબજે લેવાની સાથે મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા.જ્યારે તેના બેડરૂમમાંથી બ્રાન્ડીની બોટલ પણ મળી હતી. મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ જ રહી હતી.બીજી તરફ આરોપી અશોક જૈન પણ ગુનો નોંધાયા બાદ ઇન્દોર તરફ ભાગ્યો હોવાની બાતમી મળતાં ઇન્દોર તરફ પણ તપાસ કરી રહી છે.પોલીસે અશોક જૈનના પુત્રના મિત્રને પણ પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બોલાવ્યો હતો.