રંગમાં ભંગ !! સાળીના લગ્નમાં દારુ અને બીયર લઇ જતા દમણના જીજાને વાપીમાં પોલીસે પકડ્યા

234

રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.પરંતુ ઘણી વખત રાજ્યમાં દારૂબંધીના પાલન સામે વિરોધ પક્ષે અવાજ ઉઠાવ્યો છે કારણ કે, રાજ્યમાં અવાર નવાર દારૂનો મુદ્દામાલ પોલીસના હાથે પકડાય છે.તો બુટલેગરો અલગ-અલગ રીતે દારૂની સપ્લાય કરતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.કેટલીક વખત તો દારૂબંધીના નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીઓ જ દારૂની સપ્લાય કરતા પકડાયા છે.ત્યારે સાળીના લગ્ન માટે પોતાની કારમાં દારૂ લઈ જતો દમણની કંપનીનો એક માલિક પોલીસના હાથે પકડાયેલા છે.પોલીસ દ્વારા દારૂના મુદ્દામાલ સાથે આ ઈસમની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એવી બાતમી મળી હતી કે વાપીના કોપરલી પર એક વ્યક્તિ પોતાની કારમાં દારૂનો મુદ્દામાલ ભરીને લઈ જવાનો છે અને તે દમણ તરફથી આવી રહ્યો છે.આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાપીના કોપરલી રોડ પર વોચ ગોઠવી હતી અને પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી રહી હતી.તે સમયે પોલીસને દમણ તરફથી આવતી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર પર શંકા જણાઈ હતી.

જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કારને અટકાવવામાં આવી હતી અને કારચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ મુકેશ લાડ હોવાનું કહ્યું હતું.ત્યારબાદ પોલીસે કારની અંદર તપાસ કરતા સ્વીફ્ટ કારની ડીકીમાંથી દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. પોલીસે મુકેશ લાડની કારમાંથી 168 દારૂની બોટલો જપ્ત કરી હતી અને આ દારૂની કિંમત 28,200 રૂપિયા થવા પામે છે.દારૂના મુદ્દામાલ સાથે પોલીસે મુકેશની પણ ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મુકેશ દમણના માછી સમાજ હોલની બિલ્ડીંગમાં રહે છે અને તે આ દારૂનો જથ્થો ચીખલીમાં તેની સાળીના લગ્ન હોવાના કારણે આ લગ્ન પ્રસંગમાં લઈ જતો હતો.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુકેશની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલે તપાસ ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.મુકેશને પણ ઉમરગામ પોલીસને સોંપ્યો છે અને હવે આ ઘટનાની તપાસ એ.બી. ઝાલા દ્વારા આગળ વધારવામાં આવી છે.

Share Now