આને કહેવાય વિકાસ !! સુરત મેયરના બંગલા પાછળ પ્રજાના 5 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ હવે સુરક્ષા માટે મહિને 1.50 લાખનો ધુમાડો

545

એક તરફ કોરોનાની મહામારી વચ્ચે જનતા આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને બીજી તરફ નેતા અને પ્રજાના સેવકો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ પોતાની સુવિધાઓ માટે કરે છે.ત્યારે સુરતનો મેયરનો બંગલો બન્યા બાદ તે અવાર નવાર વિવાદમાં આવ્યો છે.આ બંગલાના નિર્માણ પાછળ પણ સુરત મહાનગરપાલિકાએ જનતાને ટેક્સના 4થી 5 કરોડ રૂપિયા વાપર્યા છે.તો તેનું લાઈટ બીલ પણ અધધ આવી રહ્યું છે.થોડા સમય પહેલા જ મેયરના બંગલાનું લાઈટબીલ ભરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરવામાં આવી હતી.તે સમયે મેયરના બંગલાનું બીલ 51 હજાર કરતા વધુ આવ્યું હતું.ત્યારે હવે મેયરના બંગલાની દેખરેખ અને સુરક્ષા પછળ પણ દર મહીને દોઢ લાખ રૂપિયા કરતા વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.આ માહિતી ખૂદ સુરત મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારી અને સેક્શન ઓફિસર કામિની પારેખ દ્વારા આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર સુરતમાં રહેતા દ્વારકેશ પટોળીયા નામના એક વ્યક્તિ દ્વારા માહિતી માગવામાં આવી હતી કે, હાલમાં બનેલા સુરતના મેયરના બંગલામાં કેટલા વીજ ઉપકરણો લાગેલા છે, તેના ખર્ચની માહિતી,બંગલાની સાફસફાઈ,ગાર્ડનની જાળવણીમાં મહીને કેટલો ખર્ચ થાય છે અને બંગલાની સુરક્ષા પાછળ કેટલા પોલીસ કર્મચારી અને સિક્યોરીટી ગાર્ડ રાખવામાં આવ્યા છે અને તેમની પાછળ મહીને કેટલો ખર્ચ થાય છે તેની માહિતી આપવામાં આવે.

દ્વારકેશ પટોળીયાની RTIનો જવાબ સુરત મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારી અને સેક્શન ઓફિસર કામિની પારેખ દ્વારા આપવામાં આવ્યો હતો.આ માહિતી પરથી જાણવા મળ્યું હતું કે, મેયરના બંગલાની સુરક્ષા પાછળ સુરત મહાનગરપાલિકા દર મહીને 1.58 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.

RTIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, મેયરના બંગલાની સુરક્ષા માટે મેયર બંગલામાં 6 સિક્યોરીટી ગાર્ડ ફાળવવામાં આવ્યા છે. 1 ગાર્ડને માસિક ખર્ચ પેટે 11,701 રૂપિયા ચૂકવામાં આવે છે.એટલે 6 ગાર્ડને કુલ 70,207 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત 4 માર્શલો મેયરના બંગલામાં ફરજ બજાવે છે. 1 માર્શલને દર મહીને 22,107 રૂપિયા ચૂકવવામાં આવે છે.તેનો માસિક ખર્ચ 88,428 રૂપિયા થાય છે.આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે, સુરત મહાનગરપાલિકા મેયરના બંગલાની સુરક્ષા પાછળ દર મહીને 1,58,635 રૂપિયા ચૂકવે છે.આ માત્ર સુરક્ષાનો ખર્ચ છે.મેયરના બંગલાની સફાઈ,ગાર્ડનની જાળવણીના ખર્ચ અલગથી લાગે છે.એટલે સુરતના મેયરનો બંગલો જેટલી વૈભવી છે તેટલો જ વધારે તેનો ખર્ચ છે.

Share Now