નવી દિલ્હી,તા. 20 : જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આતંકી ઘટનાઓમાં સ્થાનિક લોકોની હત્યા બાદ લોકો ભયનાં ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.જમ્મુની સ્થિતિ સામાન્ય છે પરંતુ કાશ્મીરની ઠીક નથી.તેથી હમણાં ત્યાં પરત નથી જવું તેવું ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યાં છે.
કાશ્મીરમાં મિસ્ત્રીનું કામ કરતાં મસીદ જમ્મુથી નવી દિલ્હી પહોંચ્યા બાદ પટના ગયા હતા.ત્યારે તેમણે જણાવ્યું કે, કાશ્મીરમાં જે કંઇપણ થયું તે ખુબ ખોટુ થયું.હવે ભવિષ્યમાં આવું કોઇ ગેર કાશ્મીરી સાથે ન થવું જોઇએ.તેમણે ઉમેર્યું કે મિસ્ત્રી તેમજ સફરજન બાગમાં કામ કરતા લોકો પાસે આતંકવાદીઓ ખબર નહીં કઇ દુશ્મની કાઢી રહ્યાં છે.ત્યાંથી અહીં પરત આવેલા સુરજકુમારે જણાવ્યું કે, ત્યાં અમને લોકલ સપોર્ટ ન મળ્યો. કામ કર્યા બાદ જમીને સીધુ અમારે ઘરમાં બંધ થઇ જવું પડતું.
સુર્યાસ્ત પહેલા જ ઘરમાં તાળી લાગી રહ્યાં છે.જમ્મુથી દિલ્હી પરત આવેલા મુસાફરોએ જણાવ્યું કે, કાશ્મીરની હાલત એવી થઇ ગઇ છે કે ત્યાં રહેવામાં ડર લાગે છે.તેઓએ ઉમેર્યું કે, જામ હૈ તો જહાન હૈ-જીવતા રહેશું તો ગમે ત્યાંથી કમાઈ લેશું.અનેક લોકો જે જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી કામ કરી રહ્યાં હતાં તે હવે પોતાના વતન ગામડે પરત ફરી રહ્યાં છે તેમજ હવે પાછું નથી જવું તેમ જણાવી રહ્યાં છે.
જમ્મુથી બિહાર આવતી ટ્રેનમાં લાંબુ વેઇટીંગ
જમ્મુ-કાશ્મીરમાં લક્ષિત હુમલાઓને કારણે ત્યાંથી અનેક લોકોએ વતન પરત ફરવાનું વલણ અપનાવ્યું છે.જેને પગલે ત્યાંથી આવતી ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યું છે.જમ્મુ હાવડા ફેસ્ટીવલ સ્પેશિયલમાં અત્યારથી નવેમ્બરનાં પ્રથમ સપ્તાહ સુધી વેઇટીંગ જ છે.તો જમ્મુ તાવી પટના ફેસ્ટીવલ સ્પેશિયલ પણ ફુલ છે.