– કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદો અનુસૂચિત જાતિ(SC) માટે આરક્ષિત બેઠકો પર બોગસ પ્રમાણપત્રોના આધારે ચૂંટાયા હોવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર : બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સહયોગી જીતન રામ માંઝીએ બુધવારે એક ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, રામ એક કાલ્પનિક ચરિત્ર હતા પરંતુ મહર્ષિ વાલ્મિકી વાસ્તવિક અને દિગ્ગજ મહાપુરૂષ છે.પૌરાણિક ગ્રંથ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતી વખતે દલિત નેતા પોતાની આ ટિપ્પણીને લઈ અડગ રહ્યા હતા.તેમણે કહ્યું કે, મહર્ષિ વાલ્મિકી ભગવાન રામથી હજાર ગણા મોટા હતા.
દિલ્હી ખાતે પોતાની પાર્ટી હિન્દુસ્તાની આવામી મોરચા (HAM) (સેક્યુલર)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન તેમણે આ વાત કહી હતી.જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, “આ મારો વ્યક્તિગત વિચાર છે અને હું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી ઈચ્છતો.”
બેઠક દરમિયાન તેમણે અનામત બેઠકો પર ચૂંટણીમાં બોગસ સર્ટિફિકેટ લગાવવા મુદ્દે પણ પોતાની વાત રજૂ કરી હતી.તેમણે એક કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદો અનુસૂચિત જાતિ(SC) માટે આરક્ષિત બેઠકો પર બોગસ પ્રમાણપત્રોના આધારે ચૂંટાયા હોવાનો આરોપ લગાવ્યો હતો.સાથે જ તેમણે આ અંગે તપાસ કરવાની માગણી પણ કરી હતી.માંઝીએ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ગરીબ પ્રવાસી મજૂરોની હત્યા કરવામાં આવી તે અંગે રોષ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ પરિણામ નથી દેખાઈ રહ્યા.