16 ઓક્ટોબરે બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો.આ હુમલામાં એક ભક્તની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અને ઈસ્કોન મંદિરની તોડફોડના વિરોધમાં સંગઠન સાથે જોડાયેલા ભક્તો શનિવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાં ઇસ્કોન ભક્તો ઇસ્કોનના આહ્વાન પર હુમલાનો વિરોધ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.આ પ્રદર્શન વિશ્વના 150 દેશોમાં સ્થિત 700 ઇસ્કોન મંદિરોમાં ચાલી રહ્યું છે.ગુજરાત સહિત કોલકત્તામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઇ છે.
એક શ્રદ્ધાળુનુ થયુ હતુ મોત
16 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશના નોઆખાલીમાં તોફાની ટોળા દ્વારા ઇસ્કોન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.આ દરમિયાન ટોળાએ મંદિર પરિસરમાં ઘુસીને તોડફોડ કરી હતી, જેમાં એક ભક્તનું મોત થયું હતું.આ સિવાય ઘટના પહેલા પણ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ દુર્ગા પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા.આ હુમલામાં ચાર હિંદુઓ પણ માર્યા ગયા હતા.બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા દરમિયાન ઘણા હિંદુ પરિવારોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલામાં 20 થી વધુ મકાનો સંપૂર્ણપણે ખાખ થઇ ગયા હતા.
ઈસ્કોનના પ્રભારીએ વૈશ્વિક વિરોધની પુષ્ટિ કરી
ઇસ્કોનના પ્રભારી અને પ્રવક્તા રાધારમણ દાસે કહ્યું કે શનિવારે 150 દેશોમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.આ દરમિયાન વિરોધના ભાગરૂપે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.વિરોધ પર બોલતા રાધરમણ દાસે કહ્યું કે ઇસ્કોન સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના ધરાવે છે, કારણ કે બાંગ્લાદેશમાં હજુ પણ હિન્દુઓનું દમન અને હત્યાઓ ચાલુ છે.તેના વિરોધમાં વિશ્વભરના 850 ઈસ્કોન મંદિરોમાં એક જ સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.