– NCPના એક કાર્યકરે કરેલા દાવા પ્રમાણે સમીરે પહેલા કોઈ ડોક્ટર આયશા સાથે શાદી કરી હતી
નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર : મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર હવે નવો આરોપ લાગ્યો છે.મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે હવે વાનખેડે પર જાતિનું નકલી સર્ટિફિકેટ બનાવડાવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે.નવાબ મલિકે એક બર્થ સર્ટિફિકેટની કોપી પણ શેર કરી છે.એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ બર્થ સર્ટિફિકેટ સમીર વાનખેડેનું છે.તેમાં પિતાનું નામ ‘દાઉદ ક. વાનખેડે’ લખેલું છે.જ્યારે ધર્મની જગ્યાએ ‘મુસ્લિમ’ લખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.આ આરોપ ક્રૂઝ કેસના એક સ્વતંત્ર સાક્ષીએ જ લગાવ્યો હતો.આરોપ લાગ્યા બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ વાનખેડેનું સમર્થન કર્યું હતું.અઠાવલેએ સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપોને આધારવિહોણા અને શરારતપૂર્ણ ઠેરવ્યા હતા.સાથે જ એમ પણ કહ્યું હતું કે, એક એવા દલિત અધિકારીને ટાર્ગેટ કરવા યોગ્ય નથી જે સારૂ કામ કરી રહ્યા છે.
નવાબ મલિકે બર્થ સર્ટિફિકેટનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘સમીર દાઉદ વાનખેડેની અહીંથી શરૂ થઈ છેતરપિંડી.’ અન્ય એક તસવીર પણ શેર કરી હતી જેના સાથે લખ્યું હતું કે, ‘ઓળખો કોણ?’
એનસીપી દ્વારા સમીર વાનખેડે પર અન્ય આરોપો પણ લગાવવામાં આવ્યા છે.એક કાર્યકરે કરેલા દાવા પ્રમાણે સમીરે પહેલા કોઈ ડોક્ટર આયશા સાથે શાદી કરી હતી.જે ફોટો શેર કરવામાં આવી રહ્યો છે તે સમીરના કથિત નિકાહનો હોવાનું કહેવામાં આવ્યું છે.હાલ મરાઠી એક્ટ્રેસ ક્રાંતિ રેડકર સમીરની પત્ની છે.