– લાંબા સમય બાદ રાહુલ ગાંધીએ સીધો મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે આરોપ લગાવ્યો હતો કે, ત્રિપુરામાં મુસલમાનો સાથે ક્રૂરતા આચરવામાં આવી રહી છે.આ સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે, સરકાર ક્યાં સુધી આંધળી અને બહેરી હોવાનું નાટક કરતી રહેશે.વધુમાં આરોપ લગાવ્યો હતો કે, હિંદુ ધર્મના નામે હિંસા કરનારા હિંદુ નહીં પરંતુ પાખંડી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ત્રિપુરામાં આપણા મુસલમાન ભાઈઓ સાથે ક્રૂરતા આચરવામાં આવી રહી છે. હિંદુઓના નામે નફરત અને હિંસા ફેલાવનારાઓ હિંદુ નહીં પરંતુ પાખંડી છે.’ કેરળની વાયનાડ બેઠકના સાંસદ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, સરકાર ક્યાં સુધી આંધળી-બહેરી હોવાનું નાટક કરતી રહેશે. આ સાથે જ તેમણે #TripuraRiots હેશટેગનો ઉપયોગ પણ કર્યો હતો.
વર્તમાન સમયમાં કોંગ્રેસનું વલણ સોફ્ટ હિંદુત્વ તરફ દેખાઈ રહ્યું છે. રાહુલ ગાંધી પણ ચૂંટણીઓ દરમિયાન મંદિરોના દર્શન કરતા દેખાઈ રહ્યા છે.તાજેતરમાં જ તેમણે જમ્મુ કાશ્મીર ખાતે માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા.તેવામાં લાંબા સમય બાદ રાહુલ ગાંધીએ સીધો મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
ત્રિપુરામાં કલમ 144 લાગુ
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધની હિંસાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદએ રેલી યોજી હતી. ત્યાર બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મસ્જિદોમાં તોડફોડ અને આગજની કરવામાં આવી.જોકે પોલીસે તેને અફવા ગણાવી હતી.ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં તણાવપૂર્ણ માહોલના પગલે બુધવારે કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.