મુંબઈ, તા. 6 નવેમ્બર : એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આર્યન ખાન કેસમાંથી હટાવ્યા બાદ હવે વરિષ્ઠ પોલીસ અધિકારી સંજય સિંહના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી છે.જે આર્યન ખાન કેસ સહિત છ કેસની પણ તપાસ કરશે. તેઓ શનિવારે દિલ્હીથી મુંબઈ માટે રવાના થશે.આવો જાણીએ કોણ છે સંજય સિંહ જેમને આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે.
જાણો કોણ છે સંજય સિંહ?
સંજય સિંહ 1996 બેચના ઓડિશા કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે. તેમણે પોતાના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના પદની જવાબદારી સંભાળી છે.તેમને સૌથી પહેલા ઓડિશા પોલીસમાં એડિશનલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.જે બાદ તેમને ઓડિશા પોલીસમાં જ આઈજીની જવાબદારી આપવામાં આવી હતી.તેમના શાનદાર કામને જોતા સરકારે તેમને સીબીઆઈમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા.હવે વર્તમાનમાં સંજય સિંહ એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) ના પદ પર કાર્યરત છે.
ડ્રગ્સના કેસ પર રહે છે ચાંપતી નજર
રિપોર્ટ અનુસાર સંજય સિંહ પણ ડ્રગ્સ સંબંધિત કેટલાક મોટા કેસની તપાસ કરી ચૂક્યા છે. તેમણે ઓડિશા કમિશ્નરેટમાં ડ્રગ-વિરોધી ટાસ્ક ફોર્સનુ પણ નેતૃત્વ કર્યુ છે.સંજય સિંહ,સમીર વાનખેડેની જગ્યાએ આર્યન ખાન કેસ અને નવાબ મલિકના જમાઈવાળા કેસની પણ તપાસ કરશે.આ સિવાય કેટલાક વધુ કેસ છે જેની જવાબદારી સંજય સિંહને આપવામાં આવી છે.
કેસ પરથી હટાવવા જવા પર વાનખેડેએ આપી સ્પષ્ટતા
વાનખેડેએ પોતાની સ્પષ્ટતામાં કહ્યુ કે આર્યન ખાન કેસની તપાસમાંથી મને હટાવવામાં આવ્યો નથી.કોર્ટમાં મે પોતે અરજી આપીને આની તપાસ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવાની માગ કરી હતી.તેથી આર્યન અને સમીર ખાન કેસની તપાસ હવે દિલ્હી એનસીબીની SIT કરશે. આ દિલ્હી અને મુંબઈની એનસીબી ટીમ વચ્ચે એક સમન્વય છે.