નવી દિલ્હી,તા.11.નવેમ્બર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ પોતાના નવા પુસ્તક… સનરાઈઝ ઓવર અયોધ્યા…ને લઈને વિવાદોમાં ઘેરાયા છે.આ પુસ્તકમાં તેમણે હિંદુત્વની તુલના આંતકી સંગઠન આઈએસઆઈએસ અને બોકો હરામ સાથે કરી છે અને તેને લઈને વિવાદ શરુ થયો છે.સલમાન ખુરશીદ પર આ પ્રકારની સરખામણી કરવા બદલ કેસ પણ કરવામાં આવ્યો છે.
પોતાના પુસ્તકના એક પ્રકરણમાં તેમણે લખ્યુ છે કે, વર્તમાન સમયમાં હિન્દુત્વનુ રાજકીય સ્વરુપ સાધુ સંતોની પ્રાચીન હિન્દુ પરંપરાઓને સાઈડ લાઈન કરી રહ્યુ છે.હિન્દુત્વનુ રાજકીય સ્વરુપ આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા સંગઠનોને મળતુ આવે છે.તેમણે આગળ લખ્યુ છે કે, હિન્દુતવ્નો ઉપયોગ રાજકીય ફાયદા માટે થઈ રહ્યો છે અને ચૂંટણી સભાઓમાં તેનો ઉલ્લેખ થતો હોય છે.હવે હિન્દુ રાષ્ટ્રની વાત કરવી બહુ સામાન્ય થઈ ગયુ છે.જોકે સરકારમાં સત્તાવાર રીતે તેની વાત નથી થતી.હિન્દુ રાષ્ટ્રને સમાજના કેટલાક વર્ગોમાંથી સમર્થન મળી રહ્યુ છે.
જોકે અયોધ્યા પર તેમણે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વખાણ કરતા લખ્યુ છે કે, કોર્ટના ચુકાદાથી કોઈની જીત અને કોઈની હાર નથી થઈ.અયોધ્યા વિવાદને લઈને સમાજમાં ભાગલા જેવી સ્થિતિ હતી અને કોર્ટે તેનો ઉકેલ કાઢ્યો છે.અયોધ્યામાં જોકે જે રીતે ઉત્સવ મનાવાઈ રહ્યો છે તે ભાજપનો ઉત્સવ હોય તેમ લાગી રહ્યુ છે.