– એક્ટ્રેસ કંગના રનૌતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1947ની આઝાદી ભીખમાં મળી હતી
નવી દિલ્હી : ભાજપના સાંસદ વરૂણ ગાંધી એક્ટ્રેસ કંગના રનૌતના આઝાદી અંગેના નિવેદનથી રોષે ભરાયા છે અને તેણે કંગનાને આડેહાથ લીધી છે.કંપનાએ ગુરુવારે એક નિવેદન કરતા જણાવ્યું હતું કે, ભારતને ખરી સ્વતંત્રતા 2014માં મળી છે. 1947માં જે આઝાદી મળી તે ભીખ હતી. વરૂણે કંગનાના આ નિવેદનને લઈને પૂછ્યું કે શું આ ગાંડપણ છે કે દેશદ્રોહ?
દેશના લોકો આપણા વીર સપૂતોના બલિદાનને ક્યારે નહીં ભૂલી શકે જે આપણને આઝાદી આપવા પાછળ આપવામાં આવ્યું છે.લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતી આપી છે અને પરિવારો બરબાદ થયા છે.આ રીતે દેશના વીરોનું અપમાન કરવું મુર્ખામીભર્યું અને શરમજનક ગણાશે.આવા નિવેદનને ગાંડપણમાં ખપાવવું જોઈએ નહીં.
આ એક દેશદ્રોહભર્યું વલણ છે અને તેની સામે પગલાં લેવા જોઈએ.જો આવું નહીં થાય તો જેમણે દેશને આઝાદ કરવામાં પોતાનું લોહી રેડ્યું હતું તેમની સાથે આ વિશ્વાસઘાત હશે.દેશને આઝાદ કરવા માટે કુરબાની વ્હોરેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને લીધે જ આપણે આજે મુક્ત રીતે હરીફરી શકીએ છીએ.
કંગનાએ એક કાર્યક્રમમાં હિન્દીમાં આ ટિપ્પણી કરી હતી. વરૂણ ગાંધીએ આ સાથે કંગનાની એ ક્લિપ પણ શેર કરી હતી.કંગનાએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 1947માં મળી હતી તે આઝાદી નહતી તે ભીખ હતી, ખરી આઝાદી તો 2014માં મળી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કંગનાએ 2014માં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી તેને ખરી આઝાદી ગણાવી હતી.અગાઉ પણ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના નિવેદનોને લીધે ચર્ચામાં રહી હતી.વરૂણ ગાંધીએ કંગના સામે પલટવાર કરતા જણાવ્યું કે, તેણે અગાઉ મહાત્મા ગાંધીના બલિદાનનું અપમાન કર્યું છે. તેમજ ગાંધીજીના હત્યારાનું સન્માન કર્યું છે.હવે તે મંગલ પાંડે,રાણી લક્ષ્મીબાઈ,ભગત સિંહ,ચંદ્રશેખર આઝાદ,નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વતંત્રતા સેનાનીઓનું પણ અપમાન કરી રહી છે.શું આને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ ગણવામાં આવશે તેવો સવાલ વરૂણ ગાંધીએ કર્યો હતો.