નવી દિલ્હી,તા.12.નવેમ્બર : હિન્દુત્વની ISIS જેવા આતંકી સંગઠનો સાથે તુલના કરવા બદલ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદનુ નવુ પુસ્તક વિવાદમાં ઘેરાયુ છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુરશીદનો બચાવ કર્યો છે.
આ મુદ્દે ભાજપ કોંગ્રેસ પર માછલા ધોઈ રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આ વિવાદમાં આડકતરી રીતે ઈશારો કરીને નિવેદન આપ્યુ છે.સંગઠનના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ-અલગ છે.જો તે એક જ હોત તો તેમનુ નામ પણ એક જ હોત.રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, શું હિન્દુત્વનો અર્થ કોઈ સિખ કે મુસ્લિમને મારવાનો થાય છે, શું હિન્દુત્વનો અર્થ એ છે કે કોઈ અખલાકને મારો? આવુ કયા પુસ્તકમાં લખ્યુ છે? મેં ઉપનિષદ વાંચ્યા છે પણ તેમાં આવુ નથી જોયુ, ક્યાં એવુ લખ્યુ છે કે તમે કોઈ નિર્દોષની હત્યા કરો?
રાહુલ ગાંધીએ કાર્યકરો સમક્ષ ઉદાહરણ રજૂ કરતા કહ્યુ હતુ કે, એક વખત મારી ચીનના કેટલાક નેતાઓ સાથે વાત થઈ હતી અને આ નેતાઓએ મને કહ્યુ હતુ કે અમે કોમ્યુનિસ્ટ છે પણ ચીનની કેટલીક વિશેષતાઓ ધરાવતા કોમ્યુનિસ્ટ છે ..તો મેં તેમને કહ્યુ હતુ કે, આ બંને વસ્તુઓ એક સાથે હોવી શક્ય નથી..જો તમે કોમ્યુનિસ્ટ છો તો કોમ્યુનિસ્ટ જ તરીકે તમારે ઓળખાવુ જોઈએ…લોજિક બહુ સિમ્પલ છે કે, જો તમે હિન્દુ છો તો તમારે હિન્દુત્વની જરુર શું છે..નવા નામની જરુર શું છે?
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, વિચારધારાની લડાઈ સૌથી મહત્વની બની ગઈ છે.ભારતમાં કોંગ્રેસ પાર્ટીની અને આરએસએસની વિચારધારા છે.આજે હિન્દુસ્તાનમાં આરએસએસની વિચારધારા નફરત ફેલાવી રહી છે અને કોંગ્રેસની વિચારધારા લોકોમાં ભાઈચારો ફેલાવવાનુ કામ કરી રહી છે.હવે સમય આવી ગયો છે કે, આપણી વિચારધારાના મૂળિયા સંગઠનમાં પણ ઉંડા કરવાના છે.