નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળા સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.સૌથી મોટી વાત એ છે કે તેઓ દેશના પહેલા સમલૈંગિક જજ હોઈ શકે છે.દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે કૃપાલની પ્રસ્તાવિત નિયુક્તિ તેમની કથિત યૌન અભિરૂચિના કારણે વિવાદનો વિષય હતી.
ભલામણ પર વિવાદ
અત્રે જણાવવાનું કે કૃપાલને 13 ઓક્ટોબર 2017ના રોજ તત્કાલિન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલના નેતૃત્વમાં દિલ્હી હાઈકોર્ટના કોલેજિયમ દ્વારા પ્રમોટ કરવાની ભલામણ કરાઈ હતી.ત્યારબાદ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી.જો કે ત્યારે કેન્દ્રની સરકારે કૃપાલની કથિત યૌન અભિરૂચિનો હવાલો આપતા તેમની ભલામણ વિરુદ્ધ આપત્તિ જતાવી હતી.ભલામણ પર વિવાદ અને કેન્દ્ર દ્વારા કથિત આપત્તિને લઈને છેલ્લા ચાર વર્ષથી અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
આ સંબંધ પર હતો વિવાદ
આ અગાઉ જ્યારે કૃપાલને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરાઈ હતી ત્યારે કેન્દ્ર સરકારે તેમના સાથી અને સ્વિટ્ઝરલેન્ડના માનવાધિકાર કાર્યકર્તા નિકોલસ જર્મન (Nicolas Germain Bachmann) સાથે તેમની નીકટતાને લઈને આપત્તિ જતાવી હતી.અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના આ કોલેજિયમમાં સીજેઆઈ એનવી રમના ઉપરાંત જસ્ટિસ યુ.યુ લલિત અને જસ્ટિસ એ.એમ ખાનવિલકર હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ અને બદલી સંબંધિત મામલાઓ પર ધ્યાન આપનારા ત્રણ સભ્યોની કોલેજિયમનો ભાગ છે.
કોણ છે સૌરભ કૃપાલ?
સૌરભ કૃપાલ પોતાને સાર્વજનિક રીતે સમલૈંગિક ગણાવે છે અને સમલૈંગિકો સંલગ્ન મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવતા આવ્યા છે.સૌરભ કૃપાલ પૂર્વ સીજેઆઈ બી એન કૃપાલના પુત્ર છે જેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે.તેમણે ગ્રેજ્યુએશનમાં લોની ડિગ્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કરી છે.તેમણે પોસ્ટગ્રેજ્યુએશન (લો) કેમ્બ્રિજ યુનિવર્સિટીથી કર્યું છે.
સુપ્રીમ કોર્ટમાં તેમણે બે દાયકા સુધી પ્રેક્ટિસ કરી છે.સૌરભની લોકપ્રિયતા નવજોત સિંહ જોહર વિરુદ્ધ ભારત સંઘ કેસને લઈને જાણીતી છે.. હકીકતમાં તેઓ કલમ 377 હટાવવા મામલે અરજીકર્તાના વકીલ હતા.સપ્ટેમ્બર 2018માં કલમ 377 અંગે જે કાયદો હતો, તે સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો.