વડોદરા :વડોદરા યુવતીના દુષ્કર્મ અને આપઘાત કેસમાં પોલીસે મજબૂત પુરાવો હાથ લાગ્યો છે.યુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઈમરાન નામના યુવકને ફોન કર્યો હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ હતું. યુવતીએ ઈમરાન સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી.યુવતીએ સુરત ડોમીનોઝ પીઝામાં પણ કોલ કરી નોકરી મેળવવા શું કરી શકાય તે વિશે પણ પૂછપરછ કરી હતી. ત્યારે આ ઈમરાન નામનો શખ્સ પોલીસ મળી આવ્યો છે.
ઈમરાન સાથે યુવતીએ 36 સેકન્ડ વાત કરી હતી
વેક્સીન મેદાન ખાતે યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કારનો મામલો ઘટનાના 25 દિવસ વીત્યા બાદ પણ ગૂંચવાયેલો છે.ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યુવતી 36 સેકન્ડ વાત કરનાર ઇમરાનની પોલીસે અટકાયત કરી છે.ઈમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હતો.ત્યારે હાલ ઈમરાન કોણ છે અને તેના પીડિતા સાથે કેવા સંબંધ છે તે દિશામાં રેલવે પોલીસ કામ કરી રહી છે.યુવતી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાં બેસી હતી,તો શું યુવતી ઈમરાનને મળવા જતી હતી તે દિશામાં પણ પોલીસ કામ કરી રહી છે.સાથે જ ઈમરાનનો ઓએસિસ સંસ્થા સાથે કોઈ સંબંધ છે કે નહિ તે પણ તપાસ કરાશે.
યુવતી સાથે રેપ થયો હતો
ગેંગરેપ કેસમાં હવે પોલીસની ટીમો વેક્સિન આસપાસની સોસાયટીઓમાં ઘેર ઘરે ફરીને તપાસ કરશે.રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા છે, ઓરલ એવિડન્સ મળ્યા છે કે યુવતી પર રેપ થયો છે પણ બનાવનો દિવસ અને મેડીકલ તપાસના દિવસ વચ્ચે સાત આઠ દિવસનો ગાળો હોવાથી મેડિકલ પુરાવા મળી ન શકે.
દુષ્કર્મ સ્થળ પરથી સિક્યુરિટી ગાર્ડ પકડાયા
પીડિતાની ગુમ સાયકલ સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવા અને કમલેશ ને પકડી પાડવામાં આવ્યા છે.પોલીસે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને પીડિતાની સાઇકલ સાથે ઝડપી લીધો અને તેની ખરાઇ કરાવતાં તે પીડિતાની સાઇકલ જ હોવાનું સામે આવ્યું છે.પુનિત નગર ના એ/13 બંધ બંગલાના પરિસરમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીની સાયકલ છુપાવી હતી.સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાએ જ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી હતી.યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારીને તેને નીચે પાડી દીધી હતી.તેના બાદ યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ થયું હતું.તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડ યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો.સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો પણ પોલીસને મળેલા આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.મહેશ રાઠવાની પત્નીએ પોલીસ સામે સ્વીકાર્યું કે, તેનો પતિ સાયકલ ચોરી ઘરે લાવ્યો હતો.ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા.