વડોદરા : શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પ્રદુષણનો પ્રશ્ન હળવો કરવાં વડોદરા પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અનોખા અભિયાન દ્વારા વધુમાં વધુ વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો પાળે તે માટેનાં સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.સામાન્ય રીતે આપ જ્યારે ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પર ઉભા હોવ અને ટ્રાફિક પોલીસ આપની તરફ આવે એટલે દંડ કરશે તેવી બીકે થોડો ગભરાટ ફેલાતો હોય છે.પરંતુ આપ વડોદરામાં હોવને આવું બને તો તમારે ગભરાવાની બિલ્કુલ જરૂર નથી.કારણ કે, આજકાલ વડોદરામાં વાહનચાલક તરફ વધતી ટ્રાફિક પોલીસ તેને દંડ કરવા નહીં પણ તેને સન્માનિત કરવાં તેની પાસે પહોંચી રહી છે.જી હાં, વડોદરામાં વાહનચાલકોને સન્માનિત કરી રહેલી ટ્રાફિક પોલીસે વાસ્તવમાં વડોદરામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાં અને પ્રદુષણનો પ્રશ્ન ઉકેલવા એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.જેમાં પોલીસે વડોદરામાં ટ્રાફિકનાં નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપવાનું શરૂ કર્યું છે.
ટ્રાફિક ડિસીપ્લીન પાળતા વાહનચાલકોનો વડોદરા ટ્રાફિક પોલીસ આભાર માની તેમને 100 રૂ.નાં ફ્રી પેટ્રોલની કુપન ગિફ્ટમાં આપી રહી છે.જો કે, તે માટે જરૂરી છે કે, તમારી પાસે ગાડીનાં તમામ દસ્તાવેજો હોવાં જોઇએ.સાથે જ વાહનચાલકે ક્યાંય કોઇ ટ્રાફિક સિગ્નલનો ભંગ ન કર્યો હોવો જોઇએ.ટુ વ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ સૌથી જરૂરી નિયમ છે.ત્યારે જ આપને ‘ટ્રાફિક ચેમ્પિયન’ જાહેર કરી વડોદરા પોલીસ આપનું સન્માન કરશે.
વડોદરામાં ટ્રાફિક પોલીસ એક દિવસમાં આવાં 50 જેટલાં ટ્રાફિક ચેમ્પ પસંદ કરી તેઓને સન્માનિત કરી રહી છે.ટ્રાફિક નિયમોનું સંપુર્ણપણે શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકો વડોદરા ટ્રાફિક પોલીસનું સન્માન તેમજ 100 રૂ.નાં ફ્રી પેટ્રોલની કુપન મેળવી ખુશ તો છે,સાથે જ તેઓ અન્ય નાગરિકોને પણ પોતાની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનાં પાલન માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે.