ઓમિક્રોન સ્વરૂપ સામે હાલની રસીઓ હથિયાર હેઠા મૂકે તેવી આશંકા : ગુલેરિયા

207

– થાણેના ઘરડાંઘરમાં રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦ને કોરોના
– નવી ગાઈડલાઈનમાં બ્રિટન,ચીન,બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને ‘જોખમી’ જાહેર, આ દેશોના પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે

નવી દિલ્હી, તા.૨૮ : કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે.આવા સમયમાં દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી હાલની રસીઓ અસરકારક સાબિત ન થવાની આશંકા છે.બીજી બાજુ થાણેના એક ઘરડાંઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં ૩૦થી વધુ પરિવર્તનો થયા હોવાનું જણાયું છે.નવા સ્વરૂપમાં ‘ઈમ્યુનોએસ્કેપ મિકેનિઝમ’ વિકસવાની સંભાવના છે, જેથી તેની સામે કોરોનાની રસીની અસરકારકતા ઘટી શકે છે.પરિણામે ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતી કોરોના વિરોધી રસીઓ સહિતની રસીઓની અસરકારક્તાનું ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે.

દરમિયાન કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વિશ્વભરમાં ફેલાતાં વડાપ્રધાન મોદીના નિર્દેશો પછી ગૃહમંત્રાલયે એક બેઠકમાં રવિવારે ૧૫મી ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા હાથ ધરી હતી અને રાજ્યોને ટેસ્ટિંગ અને નિરીક્ષણ વધારવા નિર્દેશો આપ્યા હતા.રાજ્યોએ પણ ઓમિક્રોન સ્વરૂપ ફેલાવાની આશંકાએ નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે તેમજ છેલ્લા એક મહિનામાં ‘જોખમી’ ગણાતા દેશોમાંથી આવેલા પ્રવાસીઓને શોધવાનું શરૂ કર્યું છે.સરકારે દક્ષિણ આફ્રિકા, ચીન, બોત્સવાના,બ્રિટન,બ્રાઝિલ,ઈઝરાયેલ,બાંગ્લાદેશ,મોરેશિયસ,ન્યૂઝીલેન્ડ,ઝિમ્બાબ્વે, સિંગાપોર અને હોંગકોંગ સહિત ૧૩ દેશોને ‘જોખમી દેશ’ જાહેર કર્યા હતા અને આ દેશોમાંથી આવતા પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં રવિવારે કોરોનાના નવા ૮,૭૭૪ કેસ નોંધાયા છે અને વધુ ૬૨૧નાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૫,૭૨,૫૨૩ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૪,૬૮,૫૫૪ થયો હતો.જોકે, એક્ટિવ કેસ ઘટીને ૧,૦૫,૬૯૧ થયા હતા, જે દોઢ વર્ષમાં સૌથી ઓછા છે.મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઘરડાંઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

Share Now