– ભાજપ શાસિત રાજ્યોના 12 સીએમ અને 9 ડેપ્યુટી સીએમ વારાણસી પહોંચ્યા
નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર, 2021, સોમવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વનાથ કોરિડોર ધામનું લોકાર્પણ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે. આ પ્રસંગે કેન્દ્ર અને યુપી સરકારે વિશાળ,વ્યાપક કાર્યક્રમનું આયોજન કર્યું છે તથા તેમાં સામેલ થવા માટે ભાજપશાસિત રાજ્યોના 12 સીએમ અને 9 ડેપ્યુટી સીએમ વારાણસી પહોંચી ગયા છે.
વારાણસી એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા.ત્યાર બાદ વડાપ્રધાન મોદી કાળભૈરવ મંદિર પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી.મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ઉત્સુક જણાઈ રહ્યા હતા.પૂજા કર્યા બાદ વડાપ્રધાને મંદિરમાંથી બહાર નીકળી હાથ જોડીને સૌના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.પૂજા સમાપ્ત થયા બાદ વડાપ્રધાન મોદી ગંગાઘાટથી જળ લઈને કાશી વિશ્વનાથ મંદિર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ કોરિડોર એ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેની કુલ કિંમત આશરે 900 કરોડ રૂપિયા છે.