નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021 : કાશી વિશ્વનાથ કોરિડોરનુ આજે પીએમ મોદીના હસ્તે લોકાપર્ણ થવા જઈ રહ્યુ છે ત્યારે કાશી વિશ્વનાથધામ કોરિડોર અંગેની મહત્વની વાતો પણ જાણવા જેવી છે.કાશી વિશ્વનાથ કોરિડોર પાંચ લાખ સ્કેવરફૂટમાં પથરાયેલો છે અને તેની પાછળ કુલ 900 કરોડ રુપિયા ખર્ચ થવાનો છે.હવે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે ભાવિકોએ સાંકડા રસ્તા અને ગલીઓમાંથી પસાર નહીં થવુ પડે.હવે ગંગા ઘાટ પરથી સીધા કોરિડોરમાં દાખલ થઈને ભાવિકો મંદિર સુધી જઈ શકશે.ભવ્ય કોરિડરોમાં 23 ઈમારતો અને 27 મંદિરો છે.કોરિડોર ત્રણ હિસ્સામાં વહેંચાયેલો છે.જેમાંચાર મોટા ગેટ અને પ્રદક્ષિણા પથ છે.જેને આરસના પથ્થરોથી જડવામાં આવ્યો છે.આખા રસ્તા પર શિલાલેખમાં કાશીની મહિમાનુ વર્ણન કરવામાં આવ્યુ છે.બાંધકામ માટે ગુલાબી પથ્થર,સફેદ આરસ અને વિયેટનામના ખાસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
250 વર્ષ બાદ પહેલી વખત મંદિરનો જિર્ણોધ્ધાર થયો છે.કોરિડોર બન્યા બાદ ગંગા કિનારાથી બાબા વિશ્વનાથના દર્શન થઈ શકશે.વિશ્વનાથ ધામમાં મહાદેવજીના પ્રિય રુદ્રાક્ષ, બેલ, પારિજાત અને અશોક વૃક્ષ લગાવવામાં આવશે.મંદિરમાં આ પ્રસંગે તૈયાર થઈ રહેલો પ્રસાદ આઠ લાખ પરિવારોમાં વિતરણ કરવામાં આવશે.પ્રોજેકટનો શિલાન્યાસ પીએમ મોદીએ 2019માં કર્યો હતો.યુપી સરકારે એ પછી આસપાસની ઘણી ઈમારતોનુ સંપાદન કર્યુ હતુ.