નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021 : કાશી વિશ્વનાથ કોરિડોર પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે.આ પ્રોજેક્ટ પર 2019થી કામ ચાલી રહ્યુ છે.હવે તેનુ લોકાર્પણ થવા જઈ રહ્યુ છે અને કાશીમાં જાણે દિવાળી હોય તેવો માહોલ છે.32 મહિનામાં બાબા વિશ્વનાથ મંદિરના પરિસરની જાણે કાયાપલટ થઈ ગઈ છે.મંદિરનુ પરિસર હવે સીધુ ગંગા ઘાટ સુધી પહોંચી ગયુ છે.ભાવિકો હવે ગંગા જળ લઈને સીધા બાબા વિશ્વનાથના દર્શન કરવા જઈ શકશે.હિન્દુઓની સૌથી પવિત્ર નગરી ગણાતી કાશીનો પણ એક આગવો ઈતિહાસ રહ્યો છે.
ઈતિહાસકારો કહે છે કે, વિશ્નનાથ મંદિરનુ નિર્માણ અકબરના દરબારના નવ રત્નો પૈકીના એક રાજા ટોડર મલે કરાવ્યુ હતુ.100 વર્ષ પછી ઔરંગઝેબની સેનાએ મંદિરને ધ્વસ્ત કર્યુ હતુ અને એ પછી 125 વર્ષ સુધી મંદિર આ જ હાલતમાં રહ્યુ હતુ.1735માં ઈન્દોરના મહારાણી દેવી અહલ્યાબાઈએ મંદિરનુ પુન નિર્માણ કરાવ્યુ હતુ.એ પછી મહારાજા રણજિતસિંહે 1853માં મહારાજા રણજિત સિંહે મંદિરના શિખર તેમજ બીજી જગ્યાઓને સોનેથી મઢી હતી.હવે 286 વર્ષ બાદ મંદિરને નવા અવતારમાં દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યુ છે.