ગોત્રી,છાણી,ભાયલી,તરસાલી,દંતેશ્વર,નવાયાર્ડ,ફતેપુરા,અકોટા,માંજલપુર, ગોરવા,માણેજામાં નવા કેસો નોંધાયા.
ઓમિક્રોનના ખતરા વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ઓમિક્રોન માટે સયાજી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 36 કલાકમાં નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે.વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,438 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,729 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.
એક્ટિવ કેસની સંખ્યા 86 થઇ વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ આવ્યા હતા.શહેરના ગોત્રી, તરસાલી,ભાયલી,છાણી,દંતેશ્વર,નવાયાર્ડ,ફતેપુરા,અકોટા,માંજલપુર અને માણેજામાં આ કેસ આવ્યા હતા.આ સાથે વડોદરા શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડ 72,438 પર પહોંચી ગયો હતો.સોમવારે 11 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આજે 3,856 ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.ગત 29મી નવેમ્બરે એક્ટિવ કેસોની સંખ્યા 43 હતી,જે 14 દિવસ બાદ વધીને 86 થઇ ગઇ છે.આ દર્દીઓ પૈકી ઓક્સિજન પર 6 દર્દીઓ અને વેન્ટિલેટર પર 1 દર્દી છે.શહેરમાં મ્યૂકોરમાઇકોસિસનો એક પણ દર્દી નોંધાયો ન હતો.દિવસ દરમિયાન 5 સર્જરીઓ કરવામાં આવી હતી.સયાજી હોસ્પિટલમાં હાલમાં 6 દર્દીઓ મ્યૂકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યા છે.
વિદેશથી આવેલા દર્દીઓ સારવાર હેઠળ વડોદરા શહેરમાં હાલમાં વિદેશથી આવેલા દર્દીઓ પૈકીના પોઝિટિવ જાહેર થયેલા 3 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.આ દર્દીઓની હાલત સ્થિર છે.ઉલ્લેખનીય છે કે,23મી નવેમ્બર બાદ વડોદરામાં વિદેશથી 2000થી વધુ મુસાફરો આવી ચૂક્યા છે.જે પૈકી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.શનિવારે સવારે લંડનની એક યુવતી કોરોના પોઝિટિવ આવી હતી.જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,804 કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,438 પોઝિટિવ કેસ નોંધાયા છે.જે પૈકી પૂર્વ ઝોનમાં 9714 પશ્ચિમ ઝોનમાં 12,134,ઉત્તર ઝોનમાં 11,862,દક્ષિણ ઝોનમાં 11,875,વડોદરા ગ્રામ્યમાં 26,804 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.