પંચમહાલમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની દુર્ઘટનામાં બે કામદારોના મૃત્યુ

275

– પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સના સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી

પંચમહાલ : પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સના સોલવન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને 20 જેટલાં કામદારોને ગંભીર ઈજા થઈ છે.ઘોઘંબા ગામ નજીક આવેલી ફ્લોરો કેમિકલ કંપનીના સોલવન્ટ પ્લાન્ટમાં ગુરુવારે સવારે અચાનક વિસ્ફોટ થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી.ઘડાકાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.ઘાયલ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કલેકટર સાથે વાતચીત કરી રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી.

ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે.

માહિતી અનુસાર,વિસ્ફોટ સાથે આગ ઝડપથી ફેલાઈ હતી.જોકે આ અકસ્માત સવારે થયો હતો,તેથી કંપનીમાં કામદારોની સંખ્યા ઓછી હતી.આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો કારણ કે આ કંપની પાસે અન્ય કંપનીઓના પ્લાન્ટ પણ છે.ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા પોલીસ,કલેક્ટર અને એસડીએમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સ્થળ પર હાજર ફાયર બિગ્રેડ્સે આગને કાબુમાં લીધી હતી અને તેને વધુ ફેલાતી અટકાવી હતી.

Share Now