– ભારતીય લોન્ચિંગ વ્હિકલમાં 34 દેશના 342 સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલાયા
– ઇસરો તેના કોમર્શિયલ એકમ NSIL દ્વારા કોમર્શિયલ ધોરણે અન્ય દેશના સેટેલાઇટ લોન્ચ કરે છે.
– 2021થી 2023ના ગાળામાં વિદેશી સેટેલાઇટના લોન્ચિંગની મદદથી ભારતને 13.2 કરોડ યુરોનું વિદેશી હૂંડિયામણ મળશે
નવી દિલ્હી : ભારતે તેના સ્પેસ વ્હિકલમાં વિદેશી સેટેલાઇટ્સ (ઉપગ્રહ) ના કોમર્શિયલ લોન્ચિંગ દ્વારા ૩.૫ કરોડ ડોલર અને એક કરોડ યુરોનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું છે.સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે,ભારતે ૩૪ દેશના ૩૪૨ સેટેલાઇટ લોન્ચ કર્યા છે.રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતી વખતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એન્ડ એટોમિક એનર્જીના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે,ઇસરો તેના કોમર્શિયલ એકમ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા કોમર્શિયલ ધોરણે અન્ય દેશના સેટેલાઇટ લોન્ચ કરે છે.સિંઘે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે,“NSILએ અત્યાર સુધીમાં ચાર દેશના ગ્રાહકો સાથે છ લોન્ચ સર્વિસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.જેના ભાગરૂપે ૨૦૨૧-૨૦૨૩ના ગાળામાં ભારતના ઓન-બોર્ડ પીએસએલવી દ્વારા વિદેશી સેટેલાઇટ લોન્ચ કરાશે.આ વિદેશી સેટેલાઇટના લોન્ચિંગની મદદથી ભારતને ૧૩.૨ કરોડ યુરોનું વિદેશી હૂંડિયામણ મળશે.”
સિંઘે વધુમાં જણાવ્યું હતું કે,“ભારતના લોન્ચ વ્હિકલની મદદથી વિદેશી સેટેલાઇટ્સ લોન્ચ કરીને દેશે ૨૦૧૯-૨૧ના ગાળામાં અત્યાર સુધીમાં ૩.૫ કરોડ ડોલર અને એક કરોડ યુરોનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું છે.”તેમણે કહ્યું હતું કે,“અત્યાર સુધીમાં ૧૨૪ સ્વદેશી સેટેલાઇટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા મુકાયા છે.જેમાં ૧૨ સ્ટુડન્ટ સેટેલાઇટ્સ પણ સામેલ છે.ભારતે સ્વદેશી લોન્ચ વ્હિકલમાં ૩૪ દેશના ૩૪૨ ઉપગ્રહ તરતા મૂક્યા છે.ભારતીય લોન્ચ વ્હિકલ દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલા વિદેશી ઉપગ્રહોમાં મુખ્યત્વે પૃથ્વીના નિરીક્ષણ તેમજ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજી હેતુ માટેના સેટેલાઇટ્સ સામેલ છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઇસરોએ સ્પેસ રિસર્ચમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.