ભારતની મનસા સહિતની ૧૭ સુંદરીઓને કોરોના થતાં મિસ વર્લ્ડ સ્પર્ધા સ્થગિત

222

– મિસ વર્લ્ડ સ્પર્ધા પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં યોજાઈ રહી હતી.કોરોના પોઝિટિવ આવેલી તમામ સુંદરીઓને ક્વોરન્ટાઈન કરાઈ : ૯૦ દિવસ પછી નવેસરથી સ્પર્ધાની તારીખ જાહેર થશે

પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં યોજનારી મિસ વર્લ્ડની સ્પર્ધા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે.ભારતની મનસા વારાણસી સહિતની ૧૭ સુંદરીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આયોજકોએ ઈવેન્ટ પાછી ઠેલી હોવાની જાહેરાત કરી હતી.કોરોના પોઝિટિવ યુવતીઓને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી છે.

પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાવાની હતી.સ્પર્ધા શરૃ થાય તેની થોડી કલાકો પહેલાં ભારતીય સુંદરી મનસા વારાણસી સહિતની ૧૭ સુંદરીઓને કોરોના થયાનું જણાયું હતું.આ સુંદરીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તાકીદની અસરથી આયોજકોએ સ્પર્ધા સ્થગિત કરી દીધી હતી.

મિસ વર્લ્ડના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાંથી કહેવામાં આવ્યું હતુંઃપ્યુર્ટો રિકોના સાન જુઆનમાં યોજાનારી મિસ વર્લ્ડની સ્પર્ધા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે.સ્ટાફ અને સ્પર્ધકોમાં કોરોનાના કેસ વધે તેવી દહેશતના કારણે આ નિર્ણય લેવાયો છે.૯૦ દિવસમાં પ્યુર્ટો રિકોના નિયત સ્થળે જ ફરીથી સ્પર્ધાનું આયોજન કરાશે.
આયોજકોએ તાત્કાલિક પોઝિટિવ આવેલી સુંદરીઓની સારવાર કરાવીને તેને ક્વોરન્ટાઈન કરી દીધી છે.તે સિવાયના સ્ટાફ અને સ્પર્ધકોનું મેડિકલ ચેકિંગ શરૃ કરાયું હતું.

મિસ ઈન્ડિયાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મનસા વારાણસીને કોરોના થયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. મિસ ઈન્ડિયાની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે મિસ વર્લ્ડની જે સ્પર્ધકોને કોરોના થયો છે,એમાં મનસાનો પણ સમાવેશ થાય છે.મનસા વારાણસીએ ૨૦૨૦ના વર્ષનું મિસ ઈન્ડિયાનું ટાઈટલ મેળવ્યું હતું.તેને મિસ ઈન્ડિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.૨૧મી માર્ચ,૧૯૯૭માં જન્મેલી મનસા વારાણસી મોડેલ તરીકે પણ ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

Share Now